સુરત : પોતાની સમસ્યા પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા માટે સુરતના કાપડના વેપારીઓએ રામ ધૂન કરી સરકાર પાસે એમએસએમઇમાં નિયમોની જટિલતાઓને દૂર કરવા અને તેમની માંગ સ્વીકારવા રજૂઆત કરી છે.
નિયમોની જટિલતાઓને દૂર કરો: શહેરના કાપડના વેપારીઓ એમએસએમઇના નવા નિયમોને લઈને અસમંજસની સ્થિતિમાં છે. એમએસએમઇના નવા નિયમોની સમસ્યાને પગલે ટેક્સટાઈલ ઉદ્યોગ કેન્દ્ર સરકાર પાસે નિયમોમાં ફેરફારની માંગ કરી રહ્યું છે. સરકારે તેમની વાત માની એટલે આજે કાપડ માર્કેટમાં વેપારીઓએ પણ હાથમાં ઢોલ અને મંજીરા સાથે રામ ધૂન વગાડી હતી.રામ ધૂન કરી કાપડના વેપારીઓએ સરકાર પાસે એમએસસીમાં નિયમોની જટિલતાઓને દૂર કરવા અને તેમની માંગ સ્વીકારવા રજૂઆત કરી છે.
એમએસએમઇના નવા નિયમોની સમસ્યા : તહેવાર અને લગ્નસરાની સિઝન આવે ત્યારે કાપડના વેપારીઓનું ટર્નઓવર સામાન્ય રીતે બમણું થઈ જતું હોય છે અને અત્યારે એમએસએમઇનો નવો નિયમ આવ્યો છે, તેને કારણે વેપારીઓ લગ્નસાળાની સિઝનમાં લાભ ગુમાવી રહ્યાં છે. વેપારી વર્ગમાં નારાજગી છે, આ ધારાને કમસેકમ એક વર્ષ લંબાવવામાં આવે તેવો સુર છે. સુરતના કપડા વેપાર સાથે સંકળાયેલા તમામ એસોસિએશન કેન્દ્ર સરકારને આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છે આ સમસ્યાનો યોગ્ય નિકાલ આવે એ માટે આજે વેપારીઓ હાથમાં કાપડની જગ્યાએ મંજીરા અને ઢોલ લઈને કાપડ માર્કેટમાં બેઠાં હતાં અને રામધૂન કરી સરકારને રજૂઆત કરી હતી કે તેઓની માંગણી સાંભળવામાં આવે.
વેપારમાં 75 ટકા અસર: વેપારી લલિત શર્માએ જણાવ્યું હતું કે, સરકારે આ નિયમ લઈને તો આવી છે પરંતુ તે પહેલાં વેપારીઓ સાથે સલાહ મસલત કે સૂચનો મંગાવાની જરૂર હતી. વેપારીઓ 90 દિવસના ધારાથી આપસી તાલમેલથી ધંધો કરે છે અને અત્યારે આ નિયમ પ્રમાણે 45 દિવસમાં પેમેન્ટ ચૂકવવાનું છે એટલે કે વેપારીઓના ધારા કરતાં અડધા દિવસ થાય. આ તો કેવી રીતે શક્ય બનશે ? લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે અને એપ્રિલ સુધી કામકાજો રહેશે. લગ્નસરાની સિઝનમાં વેપારનું ટર્નઓવર આપોઆપ ડબલ થઈ જતું હોય છે. પરંતુ હાલ વેપારમાં 75 ટકા અસર જોવા મળે છે.