સુરત : ધોધમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ હતી અને શહેરમાં ખાડી પૂર આવી ગયા હતા. સુરત શહેરમાં ખાડી પૂરની તીવ્રતા એટલી બધી હતી કે લિંબાયત, વરાછા A અને B ઝોન, ઉધના ઝોન, અઠવા ઝોન સહિતના વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી ગયા હતા. તેમજ સુરત શહેરના પરવટ પાટીયા પાસે ડૂબી ગયેલા યુવકનો ચાર દિવસે મૃતદેહ મળ્યો હતો.
ખભ્ભે ટીંગાયા ડે. મેયર :આ પાણી ઓસરતાં જ ઘટનાસ્થળે ભાજપના નેતાઓની ભીડ જામી હતી. યુવકનો મૃતદેહ બહાર કાઢ્યા પછી ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટીલ સ્થળ પરથી રોડ પર જવા નીકળ્યા હતા. ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર 2 ફુટની જગ્યામાં સામાન્ય કાદવ-કિચડ હતો. જોકે, આમ છતાં અહીં ઊભેલા ફાયરના સબ ઓફિસરે ડેપ્યુટી મેયરને કહ્યું “હું તમને લઈ જઉ?’ કહેતા જ ડો.નરેન્દ્ર પાટીલ હસતાં હસતાં બે પગ ઉંચા કરી ઓફિસરના ખભે ટીંગાઈ ગયા હતા.
નરેન્દ્ર પાટીલનું જાણે રેસ્ક્યુ કરાયું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. જે યુવક ડૂબી ગયો હતો તેણે બ્લુ જીન્સ પહેર્યું હતું, મૃતદેહ બહાર કઢાયો ત્યારે જીન્સનો કલર બદલાઈ ગયો હતો. જોગાનુજોગ નરેન્દ્ર પાટીલે પણ બ્લ્યુ જીન્સ જ પહેર્યું હતું, પરંતુ આ જીન્સ પર કાદવ ન લાગે તે રીતે તેઓ ફાયર જવાનના ખભે ટીંગાઈ હતા.