તંત્રએ દોષીતોને દંડ ફટકાર્યો સુરત: મહા નગર પાલિકાના કુલ 142 જેટલા ગાર્ડ ગેરકાયદેસર રીતે અન્ય જગ્યાએ નોકરી કરતા હોવાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી ગઈ છે. કુલ 10 એજન્સીઓના આ 142 જેટલા સુરક્ષા કર્મીઓ અન્ય જગ્યાએ નોકરી કરતા ઝડપાયા છે. તંત્ર દ્વારા તમામને નોટિસ કરવામાં આવી છે એટલું જ નહીં 5.78 લાખ દંડ ફટકારવામાં આવ્યો છે. અગાઉ પણ પાલિકા દ્વારા તમામને કડક સૂચના આપવામાં આવી હતી કે સુરક્ષાકર્મીઓ માત્ર પાલિકા માટે નોકરી કરે પરંતુ આ ચેતવણીને નજર અંદાજ કરતા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ સમિતિએ પોલ પકડીઃ સુરત શહેર મહા નગર પાલિકાના વિવિધ 8 ઝોનમાં આવેલા અલગ અલગ વિભાગમાં સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવનાર ગાર્ડ અન્ય જગ્યાએ પણ નોકરી કરી રહ્યા હતા. આ અંગેની જાણકારી મળતા એક તપાસ સમિતિની રચના કરાઈ હતી. જેમાં 142 જેટલા ગાર્ડ અન્ય જગ્યાએ નોકરી કરી રહ્યા છે તેવો ઘટસ્ફોટ થયો છે. ફરિયાદ આવી હતી કે કેટલાક સુરક્ષા કર્મીઓ 8-8કલાકની 2 શિફ્ટ પણ ભરી રહ્યા છે. બીઆરટીએસ અને બાગ બગીચા સહિત અનેક વિભાગો માટે 10 સિક્યુરિટી એજન્સીઓ સુરક્ષા કર્મીઓ આપે છે. જેના 142 જેટલા સુરક્ષા કર્મીઓ અન્ય જગ્યાએ નોકરી કરતા પકડાયા છે.
30 કરોડ રૂપિયાના ટેન્ડરઃ સુરત મહા નગર પાલિકાની કચેરીઓ અને અલગ અલગ વિભાગની સુરક્ષા માટે આ 10 એજન્સીઓ સુરક્ષા કર્મીઓ નિયુક્ત કરતી હોય છે. અગાઉ પણ આવી જ બેદરકારી સામે આવી હતી. આ કામ માટે 30 કરોડ રૂપિયાના ખર્ચે પાલિકાએ ટેન્ડર સોપ્યા હતા. સાથે એક જ સુરક્ષા કર્મી ને ડબલ ડ્યુટી કરાવવા બદલ ચેતવણી પણ પાલિકા દ્વારા આપવામાં આવી હતી. પાલિકાના નિયમ વિરુદ્ધ એજન્સીઓ કામ કરી રહી હતી. 58 વર્ષથી વધુ ઉંમરના સીનિયર સિટીઝનને 8 કલાક ઊભા રહેવાની જવાબદારી પણ આપી હતી. જ્યારે તેમની ફિટનેસ અંગેની ચકાસણી કરી ત્યારે તેઓ ફેઇલ થયા હતા.
દંડાત્મક કાર્યવાહીઃ આ સમગ્ર મામલે સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત મહા નગર પાલિકામાં કાર્યરત 142 જેટલા સુરક્ષા કર્મીઓ અન્ય જગ્યાએ નોકરી કરતા હોવાની જાણકારી મળતા કાર્યવાહી કરવામાં આવી છે. એજન્સીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે એજન્સીના 142 જેટલા સુરક્ષા કર્મીઓ પાલિકાના સાથે અન્ય જગ્યાએ પણ નોકરી કરી રહ્યા છે.
- Surat City Bus : હવે સુરતમાં સિટી બસના કારણે કોઈનો જીવ નહીં જાય, SMC નો એક્શન પ્લાન તૈયાર
- Surat News: સુરત મનપા વિપક્ષનો હલ્લાબોલ, ભાજપના નગરસેવક ઉપર બંગડી ફેંકી વિરોધ