સુરત :પૂર્વ બાતમીના આધારે સુરત જિલ્લા LCB પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ વિદેશ એક્સપોર્ટ કરતા કેમિકલના જથ્થાને કન્ટેનરમાંથી ચોરી કરી પીપોદરા વિસ્તારમાં ગોડાઉનમાં છુપાવી હેરફેર કરતા હતા. આરોપીઓ પાસેથી કુલ 44.68 લાખનો મુદ્દામાલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
વિદેશ જતા કેમિકલની ચોરી :આ અંગે મળતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય LCB PI આર. બી. ભટોળને એક બાતમી મળી હતી. જેના અનુસાર કડોદરા તાતીથૈયા ખાતે રહેતા આરોપી અનુપસિંગ ગયાપ્રસાદ અને સંદીપ નામના ઈસમે વિદેશમાં એક્સપોર્ટ થતા કિંમતી કેમિકલનો જથ્થો ચોરી કર્યા હતા. સાથે જ આ જથ્થો પીપોદરા ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં ભાડે રાખેલા ગોડાઉનમાં છુપાવી રાખ્યો હતો.
સુરતમાં વિદેશ જતા કેમિકલની ચોરીનો મામલો (ETV Bharat Gujarat) મોટા જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા :આ બાતમીના આધારે સુરત ગ્રામ્ય LCB પોલીસ ટીમે પીપોદરાના ગોડાઉન પર છાપો માર્યો હતો. આ સમયે કેમિકલનો જથ્થો સગેવગે થવાની પેરવી થઈ રહી હતી. ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે પીપોદરા ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરાતા કેમિકલના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
આવી રીતે કરતા ચોરી :પોલીસે અટક કરેલ ઇસમોની પૂછપરછ કરતા બહાર આવ્યું કે, આ કેમિકલ અંકલેશ્વર, ભરૂચ, દહેજથી હજીરા પોર્ટ મારફતે વિદેશ એક્સપોર્ટ થવાનું હતું. પરંતુ કન્ટેનરને રસ્તામાં રોકીને તેમાંથી પ્લાસ્ટિકની બેગમાં કેમિકલનો જથ્થો ભરી લેવાયો અને તેની જગ્યાએ રેતી ભરેલી બેગો મૂકી દેવાઈ હતી.
44.68 લાખનો મુદ્દામાલ જપ્ત :પોલીસેને ગોડાઉનમાંથી 39.75 લાખનો કેમિકલનો જથ્થો ભરેલી 318 પ્લાસ્ટિકની બેગ, 4 લાખની બે ફોરવ્હીલ કાર, 86 હજાર કિંમતના ત્રણ મોબાઈલ ફોન, 7,700 રોકડા મળી કુલ 44,68,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
- સુરતમાં 8.58 કરોડના બિલ વગરના સોના સાથે દાણચોરી કરતા બે ઝડપાયા
- વલસાડમાં ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો, તપાસના તાર સુરત સુધી પહોંચ્યા