સુરત : માંડવી પંથકમાં મોટો જંગલ વિસ્તાર આવેલ છે. આ જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લાકડાચોરો સક્રિય થઈ લાકડા ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. આ વખતે માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે એક મોટા લાકડા ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
નેશનલ લાકડા ચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો (ETV Bharat Reporter) લાકડા ચોરીનું નેશનલ નેટવર્ક :આ અંગે મળતી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારમાંથી લાકડા ચોરી કરી તસ્કરો ટ્રક મારફત અન્ય રાજ્યોમાં મોકલી રહ્યા હતા. ગત 14 જૂનના રોજ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે માંડવી દક્ષિણ રેંજના જંગલ વિસ્તારમાંથી ખેરના લાકડાની તસ્કરી કરતી એક ટ્રક ઝડપી પાડી હતી. આ ઝડપાયેલ ટ્રકનું પગેરું શોધતા લાકડા ચોરીનું નેટવર્ક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં છવાયુ હોવાનું માહિતી વન વિભાગની ટીમને મળી હતી.
5 કરોડનો મુદ્દામાલ જપ્ત :આ માહિતીના આધારે માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગે તાત્કાલિક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ધામા નાખ્યા હતા. અલીરાજપુર ખાતે આવેલા લાકડાના ડેપોમાં મોટા પ્રમાણમાં ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે તપાસ કરતા લાકડાના ડેપોમાંથી પાંચ કરોડથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી વન વિભાગની ટીમ દ્વારા તમામ મુદ્દામાલ સીલ કરીને લાકડાનો ડેપો ચલાવનાર મેનેજર આરીફ અલી અમજલ અલી મકરાનીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ગુજરાતભરમાંથી ખેરના લાકડાની ચોરી :આ તસ્કરો છેલ્લા ચાર વર્ષથી ખેરનું લાકડું સગેવગે કરતા હતા. લાકડા ચોરી કરનાર આરોપીઓ દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરનું લાકડું ચોરી કરતા. તે માત્ર સુરત જિલ્લામાં જ નહીં પરંતુ નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી પણ ચોરી કરતા હતા. હાલ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગે લાકડા ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
- વલસાડમાં ખેરના લાકડાની ગેરકાયદેસર હેરફેર, મસમોટા જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
- Timber Trafficking : વાંસદા-ધરમપુર માર્ગ પર પુષ્પા સ્ટાઈલમાં કિંમતી લાકડાની તસ્કરી