સોમનાથ:રક્ષાબંધનના પાવન તહેવારે શ્રાવણી પૂનમ અને શ્રાવણ મહિનાના સોમવારે સોમનાથ મહાદેવ શમીપે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આજે ખાસ મહાદેવને રાખડીના શણગારની સાથે પાલખીયાત્રા કરીને બહેનોએ પોતાના ભાઈની સુરક્ષા અને સરહદ પર સતત રાષ્ટ્રને સુરક્ષિત રાખતા સૈનિકોની દીર્ઘ આયુષ્ય માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.
સોમનાથમાં ઉજવાયું રક્ષાબંધનનુ પર્વ:આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના તહેવારને લઈને સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આજે સોમનાથ મહાદેવને વિશેષ રાખડી નો શણગાર કરીને પરંપરાગત રીતે શ્રાવણ મહિનાના સોમવારે કાઢવામાં આવતી મહાદેવની પાલખી યાત્રાના દર્શન કરીને શિવભક્તોએ શ્રાવણના સોમવારની સાથે રક્ષાબંધનના તહેવારની પણ ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી. આજે વહેલી સવારે ચાર વાગ્યાથી મંદિર પરિષદ શિવભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. બપોરના 1:00 વાગ્યા સુધીમાં અંદાજિત ત્રીસ હજાર જેટલા શ્રદ્ધાળુએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.