માધવપુરમાં શ્રીકૃષ્ણ-રૂકમણી વિવાહ ઉત્સવ સંપન્ન પોરબંદર : માધવપુરમાં યોજાતા પાંચ દિવસીય મેળામાં ભારતીય સંસ્કૃતિ મુજબ શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્ન યોજાય છે. દર વર્ષે દેશ વિદેશથી લોકો મોટી સંખ્યામાં અહીં પધારે છે અને વર્ષોથી ચાલતી આ પરંપરાના સાક્ષી બને છે. આ પરંપરા સાથે 5200 વર્ષ જૂની કથા સંકળાયેલ છે. શ્રી કૃષ્ણએ રૂકમણીનું હરણ કરી માધવપુરમાં લગ્ન કર્યા હતા.
શ્રીકૃષ્ણ-રૂકમણી વિવાહની કથા :માધવપુરના જનકભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, આજથી 5200 વર્ષ પહેલા જ્યાં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ થયા હતા, તે સ્થળ મધુવન છે. આ કથા અનુસાર વિદર્ભ દેશમાંથી રુકમણીના સંદેશા પર દારૂક નામના સારથીને લઈ શ્રી કૃષ્ણ રૂકમણીનું હરણ કરવા ગયા હતા. ત્યાંથી ભોજકટ ગામ, જ્યાં રૂક મૈયાનું યુદ્ધ થયેલું ત્યાં રુકમયો વસી ગયો, એ આજનું ભરૂચ ગામ છે. ત્યાંથી વિશ્રામ કરતા કરતા બંને માધવપુર આવ્યા.
માધવપુરમાં પાંચ દિવસીય પ્રસંગ :માધવપુરનો સમુદ્ર ત્રણ કિલોમીટર આગળ ચામુંડા માતાજીના મંદિર સુધી હતો. ભગવાને વિનંતી કરીએ એટલે સવા ગામ ભૂમિ ઉછીની માગી સમુદ્ર પાછળ હટ્યો અને આ ભૂમિ પર લગ્ન મંડપની રચના કરવામાં આવી. શંખ દ્વારા તમામ દેવી-દેવતાઓ ઋષિમુનિઓ તમામ તીર્થક્ષેત્રમાંથી આ લગ્નમાં આવ્યા અને ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી પાંચ દિવસનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો.
કદંબ કુંડનું નિર્માણ :અહીં પધારેલા કેટલાક ઋષિમુનિઓએ કહ્યું કે, અમને આ ભૂમિ ખૂબ જ પસંદ છે અને અહીં જ રહેવું છે. ભગવાનના કહેવાથી તેઓ વૃક્ષ સ્વરૂપ બન્યા હતા. આજે વૃક્ષ સ્વરૂપે મધુવનના અરણ્યમાં કેટલા રાયણના વૃક્ષો છે, એ ઋષિઓના સ્વરૂપ છે. આમલી છે, તે ઋષિઓની પત્ની સ્વરૂપ છે. રૂક્ષ્મણીની ઈચ્છાથી સ્નાન માટે એક કુંડ બનાવવામાં આવ્યો હતો, જેમાં કદમ્બનું વૃક્ષ વાવ્યું હતું એટલે કદંબ કુંડ નામ રાખવામાં આવ્યું.
શ્રીકૃષ્ણની ત્રણ યાદગીરી : અહીં માધવપુર ગામ વસાવ્યું છે અને ક્યારેક સમુદ્ર ફરી વરસે તો ગામની રક્ષા માટે શ્રીકૃષ્ણએ ત્રણ વસ્તુ મૂકેલી છે. જેમાં ચોરી ફેરાનો અગ્નિ આંત્રોલી ગામમાં મુકેલો છે. સુદર્શન ચક્ર માધવપુરમાં મૂકેલું છે અને કમળનું ફૂલ ગોરસર ગામમાં મૂક્યું, જેનું પદ્મ તીર્થ બન્યું છે. ગમે તેટલા વાવાઝોડા આવે છતાં ગામને કોઈ આંચ આવી નથી. હાલમાં નિજ મંદિરમાં માધવરાય અને ત્રિકમ રાયનું સ્વરૂપ અજોડ છે, જે વિશ્વમાં ક્યાંય નથી. ચોરી માયરા મધુવન ખાતે વિવાહ સંપન્ન કરી રાત્રી રોકાણ કરી પ્રભુ ચૌદસના દિવસે ધામધૂમથી યુગલ સ્વરૂપે નિજ મંદિરે જશે.
- 225 કલાકારો દ્વારા શ્રી કૃષ્ણ અને રુકમણિ વિવાહ પ્રસંગની મનોરમ્ય પ્રસ્તુતિ એટલે 'મંગલ માધવપુર'
- આજથી પોરબંદરમાં પ્રસિદ્ધ માધવપુર ઘેડના મેળાનો પ્રારંભ, જાણો મેળાના આકર્ષણો - Madhavpur Gheda Fair