રાજકોટ : વિંછીયા તાલુકાના સોમપીપળીયા ખાતે આવેલ શ્રી ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ દરમિયાન અહીંયા લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સ્ટોલ અને જગ્યાની હરાજી માટે મંદિર સંચાલન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
સ્ટોલ માટે હરાજીની જાહેરાત :શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા અનુસાર, આ લોકમેળા અન્વયે મંદિર હસ્તકના ગોડલાધાર રોડ, મોઢુકા રોડ, નવાગામ રોડ તેમજ કાળાસર રોડ પરના પાર્કિંગ, મંદિર પરિસર આસપાસના તમામ 127 સ્ટોલ અને શ્રી ઘેલા સોમનાથ શોપિંગ મોલની કુલ 15 દુકાન 5 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ભાડે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસનો લોકમેળો (ETV Bharat Reporter) 19 જુલાઈના રોજ હરાજી :આ જગ્યાની હરાજી 19 જુલાઈના રોજ શ્રી ઘેલા સોમનાથ મંદિર ખાતે બપોરે 3:00 કલાકે રાખવામાં આવી છે. આ તમામ જગ્યાની હરાજીની અપસેટ કિંમત કુલ રૂપિયા 35 લાખ રાખવામાં આવી છે. આ માટે રસ ધરાવતી પાર્ટીઓને હરાજીમાં જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં વધુ વિગતો માટે એચ. આર. મકાણી, વહીવટદાર ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ મો. 9724606101 નો સંપર્ક કરવાનો રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.
સ્ટોલ અને સ્થળના નિયમ :આ હરાજીમાં જોડાવા માટે અગાઉ સ્થળ પર જઈને તમામ જગ્યાનું સ્થળ નિરીક્ષણ જે-તે પાર્ટીએ કરી લેવાનું રહેશે. જગ્યા જે સ્થિતિમાં છે તે જ સ્થિતીમાં ઉપયોગ કરવાનો રહેશે અને મંદિર ટ્રસ્ટને પરત સોંપવાની રહેશે. ત્યાં વીજ કનેક્શનની જરૂરિયાત હશે. તે જગ્યાએ લાઈટ કનેક્શન જે તે પાર્ટીએ લેવાનું રહેશે. વીજ કનેકશન મેળવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી સહયોગ આપવામાં આવશે. આ તમામ સ્થળની હરાજી અલગ-અલગ કરવામાં આવશે.
ભાડાની રકમની ભરપાઈ :આ હરાજીમાં ભાગ લેનાર પાર્ટીએ સિક્યોરિટી તરીકે ખેતીલાયક જમીનના 7/12, 8-અ રજૂ કરવાના રહેશે. ભાગ લેવા ઈચ્છુક વ્યક્તિઓ/પાર્ટીએ ડિપોઝિટ પેટે રૂપિયા 1,51,000 હરાજી શરૂ થયા પહેલા જમા કરાવવાના રહેશે. ત્યારબાદ જ હરરાજીમાં ભાગ લઈ શકશે. આ હરાજીમાં સૌથી ઉંચી બોલી બોલનાર પાર્ટીએ આખરી બોલીની 50% રકમ હરાજી પૂર્ણ થયા બાદ તુરંત ભરપાઈ કરવાની રહેશે અને બાકીની 50% રકમ શ્રાવણ માસના 15 દિવસ પૂર્ણ થયા સુધીમાં ભરપાઈ કરવાની રહેશે. આ અંગે આખરી નિર્ણય ઉપાધ્યક્ષ, શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને જસદણના નાયબ કલેકટરનો રહેશે.
- શ્રાવણ માસમાં શિવ ભક્તો માટે વિશેષ બિલ્વ પૂજાનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન
- "સોલાર લાઈનમાં નવા કનેક્શન ના આપો" જસદણ પંથકના ખેડૂતોની માંગ