ગાંધીનગરઃફોરેસ્ટ ગાર્ડની ભરતીના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી આંદોલન ચાલી રહ્યું છે. ત્યારેફોરેસ્ટ ગાર્ડની ભરતી મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શક્તિસિંહ ગોહિલે એક્સ પર ચાર માંગણીઓ કરી છે. તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને લખ્યું કે ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોની માંગણી છે કે વર્તમાનમા GSSSB દ્વારા ફોરેસ્ટનું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ જોડે મોટાપાયે અન્યાય થયો છે જેથી વિદ્યાર્થીઓમાં ઘણી નારાજગી છે. તેઓની નીચે મુજબની રજૂઆત અને વિનંતી છે.
સરકાર સમક્ષ કરી રજૂઆતઃ તેમણે સરકાર સમક્ષ ચાર માંગણી કરી છે. ફોરેસ્ટ ગાર્ડ પરિણામમાં ફરીથી સામાન્યીકરણ કરી યોગ્ય રીતે નવું રીઝલ્ટ તૈયાર કરીને 40 ઘણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવા માટેનું લીસ્ટ બહાર પાડવામાં આવે. વર્ષ 2022માં આવેલી ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી હજુ સુધી પૂર્ણ થયેલ નથી. જેથી આ 2 વર્ષના સમયગાળામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા વર્તમાન જગ્યાઓમાં વધારો કરવામાં આવે. CBRT પદ્ધતિ રદ કરવામાં આવે. 40 ઘણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવતું લીસ્ટ જલ્દી જ બહાર પાડવામાં આવે જેથી મધ્યમ વર્ગના ઉમેદવારોને ફિઝિકલની તૈયારી કરવી કે નહિ એનો ખ્યાલ આવે. સરકાર આ ઉમેદવારોને સાંભળી યોગ્ય કાર્યવાહી કરે તેવી વિનંતી છે.
સેન્ટ્રલ ગાર્ડન ખાતે સરકાર વિરોધી નારાબાજીઃ ઉમેદવારો દ્વારા બેઠક વધારવા, પરીક્ષા પદ્ધતિ રદ્દ કરવા તથા પરિણામ જાહેર કરવાની માંગ સાથે દેખાવો કરી રહ્યા છે. પોલીસ ધડપકડ દરમિયાન ઉમેદવારો સાથે અમનવીય વર્તન કરવામાં આવ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. ઉમેદવારોએ આંખે ભરતા જણાવ્યું કે પોલીસ દ્વારા અમાનવીય રીતે ઉમેદવારોને અટકાયત કરવામાં આવી હતી. આ અટકાયત દરમિયાન એક ઉમેદવારને ગંભીર ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેઓ સેન્ટ્રલ ગાર્ડન ખાતે સરકાર વિરોધી નારાબાજી અને પ્રદર્શન કરી રહ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સરકાર દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં આ ઉમેદવારોને સત્યાગ્રહ સાવણી ખાતે ખસેડવામાં આવ્યા છે.