રિફંડ માટે વેપારીઓ પાસેથી 1થી 1.5 ટકા રકમ અધિકારીઓ પડાવે છે સુરતઃ SGSTના અધિકારીઓ વેપારીઓને રિફંડ આપવામાં ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનો આક્ષેપ સુરત સીએ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યો છે. વેપારીઓને SGST રિફંડ મેળવવા પ્રયત્ન કરે ત્યારે તેમની પાસેથી 1થી 1.5 ટકા રકમ અધિકારીઓ પડાવે છે. આ ઉપરાંત GST રજિસ્ટ્રેશન નંબર લેવા માટે પણ કનડગત કરવામાં આવે છે. જેમાં 11 કલાક સુધી આડા અવળા સવાલો કરીને વેપારીને પરેશાન કરવાનું પણ સામે આવ્યું છે.
પૂરતા પુરાવા ઓનલાઈન હોવા છતાં કનડગતઃ વેપારીના લાખ્ખો રૂપિયા રિફંડમાં અટવાયેલા હોવાના લીધે ના છૂટકે અધિકારીઓની માંગણીને સંતોષવી પડે છે. વેપારીઓ દ્વારા નવો રજિસ્ટ્રેશન નંબર લેવા માટેની અરજી કરતી વખતે તમામ પ્રકારની વિગતો તેમજ પૂરતા પુરાવા પણ ઓનલાઈન રજૂ કરવામાં આવે છે. તેમાં શંકાસ્પદ જણાતા કેસમાં વેપારીની બોલાવી સવાલ જવાબ પૂછવામાં આવતા હોય છે. આ કામગીરી 1 કલાકની અંદર પૂર્ણ થઈ જતી હોવા છતાં વેપારીને વધુ સમય પુછપરછ કરી પરેશાન કરવામાં આવે છે.
મહિનાઓ સુધી રિફંડ અટકાવાનો આક્ષેપઃ રિફંડ માટે વેપારીની વિગતો પોર્ટલ પર પહેલેથી હોવા છતાં મહિનાઓ સુધી રિફંડ અટકાવી રાખવામાં આવે છે. વેપારીઓના નાણાં જમા પડી રહેવાના લીધે તેના રોકાણમાં વધારો થતો હોય છે. આવી સમસ્યાઓથી SGSTના કેટલાક અધિકારીઓ સારી રીતે વાકેફ હોવા છતાં વેપારી પાસેથી રિફંડના બદલામાં અમુક રકમ માંગવામાં આવે છે. આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.
અધિકારીઓના સરકારી જવાબોઃ સુરત ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશન તરફથી કરવામાં આવેલા આક્ષેપો મુદ્દે જીએસટી વિભાગના કમિશનર રેન્કના 2 અધિકારીઓ સાથે ઈટીવી ભારતે ટેલીફોનિક સંપર્ક કર્યો હતો. જો કે આ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આક્ષેપો અને લેખિત ફરિયાદ અંગે તેમને કોઈ જાણકારી નથી. અધિકારીઓએ સરકારી જવાબો આપીને વધુ કશુ કહેવાનું ટાળ્યું હતું.
વેપારીઓ SGSTમાંથી રિફંડ મેળવે ત્યારે તેમની પાસેથી 1થી 1.5 ટકા રકમ અધિકારીઓ પડાવે છે. આ સમસ્યા માત્ર સુરતના વેપારીઓની નથી પરંતુ આખા ગુજરાતના અમારા ક્લાયન્ટ્સને નડી રહી છે. તેથી અમે નાણાં પ્રધાન કનુ દેસાઈ, રાજ્ય જીએસટી કમિશ્નર અને સુરત રીજીયન જોઈન્ટ કમિશ્નરને આ બાબતથી માહિતગાર કરવા પત્ર લખ્યો છે... હાર્દિક કાકડિયા (વાઈસ પ્રેસિડેન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિયેશન, સુરત)
- રાજકોટ ACBને મળી સફળતા, SGSTના અધિકારીને 20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો
- સુરતમાં SGSTએ 1101 કરોડના બીલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધાર પ્રતાપ ડોડિયાની ધરપકડ કરી