ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં માછીમારી ઉદ્યોગ પર ફેલાઈ શકે છે ગંભીર સંકટઃ મહાકાય કંપનીઓની ધંધામાં એન્ટ્રી અને અસરો - GUJARAT FISHERIES

સૌરાષ્ટ્રનો માછીમારી ઉદ્યોગ આજે માછીમારીને લઈને અનેક પ્રકારની મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે...

મત્સ્યઉદ્યોગ સાથે જોડાયેલા વ્યક્તિઓ શું કહે છે?
મત્સ્યઉદ્યોગ સાથે જોડાયેલા વ્યક્તિઓ શું કહે છે? (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2024, 7:09 PM IST

Updated : Dec 20, 2024, 8:54 PM IST

જુનાગઢ: સૌરાષ્ટ્રનો માછીમારી ઉદ્યોગ આજે માછીમારીને લઈને અનેક પ્રકારની મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. પ્રદૂષણ, દરિયામાં સતત ઘટી રહેલી માછલીનું પ્રમાણ તેમજ મહાકાય કંપનીઓ દ્વારા લાઈન લાઈટ અને ડીપ ફિશિંગ કરવાને કારણે માછલીનો મોટાભાગનો જથ્થો ખેંચાઈ જાય છે. જેને કારણે નાના માછીમારોને ખૂબ સંકટમાંથી પસાર થવું પડી રહ્યું છે. એક સમયે ખૂબ જ દબદબો ધરાવતો માછીમારી ઉદ્યોગ આજે દર વર્ષે નબળો પડી રહ્યો છે. જેને બચાવવા માટે માછીમાર ઉદ્યોગકારો અને માછીમારો સરકાર સમક્ષ આશાભરી નજરોથી જોઈ રહ્યા છે.

માછીમારી ઉદ્યોગમાં આજે છે અનેક સમસ્યા

એક સમયે સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને રુતબો ધરાવતો માછીમારી ઉદ્યોગ આજે ધીરે ધીરે મૃતપાઈ બનવા તરફ આગળ વધી રહ્યો છે. પાછલા કેટલાક વર્ષો દરમિયાન માછીમારોની સાથે માછીમારીના ઉદ્યોગકારોની જે સમસ્યા શરૂ થઈ હતી, તેનું હજુ સુધી કોઈ ચોક્કસ તારણ કે નિરાકરણ નીકળ્યું નથી. જેને કારણે દર વર્ષે માછીમારી ઉદ્યોગ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વર્ષના માત્ર ચાર મહિના સુધી માછીમારી ઉદ્યોગ ધમધમતો હોય છે. જેને કારણે અન્ય રોજગારીની તકો પણ ઊભી થતી હોય છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, માંગરોળ, વેરાવળ, કોડીનાર, મૂળ દ્વારકા સહિત અનેક નાના મોટા બંદરો છે કે જ્યાંથી માછલીઓની નિકાસ પણ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી દરિયામાં ઘટી રહેલા માછલીના પ્રમાણને કારણે પણ માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને નાના માછીમારો સંકટ ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

મત્સ્યઉદ્યોગ સાથે જોડાયેલા વ્યક્તિઓ શું કહે છે? (ETV BHARAT GUJARAT)

લાઈન લાઈટ અને ડીપ ફિશિંગ મુખ્ય સમસ્યા

પાછલા થોડાક વર્ષોથી માછીમારી વ્યવસાયમાં મહાકાય કંપનીઓએ પણ ઝંપલાવ્યું છે. જેને કારણે લાઈન લાઈટ અને ડીપ ફિશિંગની નુકસાનકારક પ્રવૃત્તિઓ દરિયામાં થતી હોવાની બુમો ઉઠી છે. એક સાથે મહાકાય માછીમારી વહાણો લાઈન બંધ માછીમારી કરતા હોય છે. જેને કારણે મોટાભાગની માછલીઓ આ કંપનીના માછીમારી જહાજમાં પહોંચી જાય છે. વધુમાં રાત્રિના સમયે લાઈટ ફિશિંગ કરવાથી પણ મોટાભાગની માછલી દરિયાના પાણીમાં ઉપર તરફ આવે છે. જેને લાઈટ મારફતે લચાવીને તેને પકડી લેવામાં આવે છે. આ સિવાય ડીપ ફિશિંગ કે જે દરિયાના ખૂબ ઊંડાણે કરવામાં આવતું હોય છે આ પ્રકારનું ફિશિંગ પણ માછલીના મોટાભાગના જથ્થાને દૂર કરી રહ્યું છે. જેને કારણે નાના માછીમારો અને બોટના માલિકો આજે ખૂબ મુશ્કેલ ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

ગુજરાતમાં મત્સ્યઉદ્યોગ (ETV BHARAT GUJARAT)

દર વર્ષે ખર્ચમાં થાય છે વધારો

માછીમારી ઉદ્યોગની કમર દર વર્ષે માછીમારી દરમિયાન થતા ખર્ચમાં વધારાને કારણભૂત માનવામાં આવે છે. પાછલા વર્ષોની સરખામણીએ બે કે ત્રણ બેરલમાં માછીમારીની એક ટ્રીપ પૂરી થતી હતી. આજે તેમાં ત્રણથી ચાર હજાર લિટર ડીઝલ વપરાય છે. જે અગાઉના વર્ષોમાં 1000 થી 1700 લીટરમાં પાંચ દિવસની માછીમારીની એક ટ્રીપ પૂરી થતી હતી. આજે 3000 લીટર ડીઝલનો ખર્ચ કર્યા પછી પણ 15 દિવસમાં એક ટ્રીપ પૂરી થતી નથી. વધુમાં માછીમારી બોટમાં રહેલા ખલાસી અને ટંડેલ સહિત તેમનો પગાર અને તેમના પંદર દિવસના જમવા પાછળ પણ ઘણો ખર્ચ થાય છે. જેને સામે માછલીનું પ્રમાણ ઓછું આવતા બોટના માલિકોને માછીમારી ઉદ્યોગ હવે નુકસાન કરાવતો લાગી રહ્યો છે.

ગુજરાતમાં મત્સ્યઉદ્યોગ (ETV BHARAT GUJARAT)

કંપનીઓ દ્વારા માછલીના ખોરાકનો પણ નુકસાન

મહાકાય કંપનીઓ દ્વારા જે રીતે આડેધડ ફિશિંગ કરવામાં આવી રહી છે, તેને કારણે નાના માછીમારોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. તેને ધ્યાને રાખીને સરકારે પણ લાઈન લાઈટ અને ડીપ ફિશિંગ જેવી પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવ્યો છે, તેમ છતાં કેટલીક કંપનીઓ દ્વારા આ પ્રકારે દરિયામાં માછીમારી કરવામાં આવી રહી છે. જેને કારણે દરિયામાં રહેલી અન્ય માછલીની ખાસ પ્રજાતિ કે જે માછલીના ખોરાક તરીકે દરિયામાં હોવી જરૂરી છે તે પણ માછીમારીની જાળમાં બહાર નીકળી જાય છે. જેને કારણે દરિયામાં માછલીનો ખોરાક પણ ઘટી રહ્યો છે જેથી આ પ્રકારની વિકટ સમસ્યા ઊભી થઈ છે.

માછીમારી ઉદ્યોગ પર ફેલાઈ શકે છે ગંભીર સંકટ (ETV BHARAT GUJARAT)
  1. શુભ અને અશુભ બંને પ્રસંગમાં બનાવે છે અડદના ઢેબરા: આદિવાસી સમાજનું આ સ્વાદિષ્ટ ખાણું કેવી રીતે બને? જાણો
  2. દિલ્હી પોલીસની ગુજરાતમાં રેડ, દુષ્કર્મના આરોપીનો 1500KM પીછો કરીને સુરતથી ઝડપી પાડ્યો
Last Updated : Dec 20, 2024, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details