જૂનાગઢ: પાછલા 48 કલાકથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાં 48 કલાકથી સતત ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાનો વરસાદ પડ્યો છે, પરંતુ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા પણ નથી પરંતુ આ દિવસો દરમિયાન ઠંડીનું તીવ્ર મોજું ફરી વળે તે પ્રકારની શક્યતાઓ જુનાગઢ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
માવઠાનો ખતરો ટળ્યો પરંતુ ઠંડી હજુ પણ રહેશે હાજર:પાછલા 48 કલાકથી જે રીતે હવામાનમાં અસામાન્ય બદલાવ જોવા મળી રહ્યો છે. જુનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં પાછલા બે દિવસથી સતત ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને કારણે સમગ્ર દિવસ દરમિયાન ચોમાસા જેવો માહોલ જોવા મળે છે. આ પ્રકારના વાતાવરણના બદલાવ પાછળનું કારણ ભેજનું પ્રમાણ જવાબદાર હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા નહિવત: ભેજનું પ્રમાણ વધતા જ આકાશમાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ સર્જાયું છે. જે હજુ આગામી બે ત્રણ દિવસ સુધી આ જ પ્રકારે જોવા મળી શકે છે. ગઈકાલે જે રીતે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠા રૂપી વરસાદ પડ્યો છે. તેવા વરસાદની શક્યતા સૌરાષ્ટ્રમાં જોવા મળતી નથી પરંતુ હજુ પણ બે ત્રણ દિવસ સુધી આ પ્રકારના વાતાવરણની વચ્ચે ઠંડી સતત જોવા મળી શકે છે.