ગાંધીનગરઃગુજરાતમાં ખેતી માટે વીજળી આપવાની માગ ઘણા લાંબા સમયથી ચાલી આવી છે. ત્યારે ગુજરાત સરકારના ઉર્જા મંત્રી દ્વારા કેટલીક બાબતો અંગે વાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મગફળીની સીઝનને લઈને દસ કલાક વીજળી આપવાની વાત મુકી હતી.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ઊર્જાના ક્ષેત્રમાં ત્રણ મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા ખેતી માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કોઈપણ ડેવેલપર સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા વીજ સપ્લાય કોડમાં જરૂરી ફેરફાર કરી LT કનેકશન માટે વીજ ભારની મર્યાદા 100 KW થી વધારી 150 KW સુધીનું પ્રાવધાન કર્યું છે.
ઋતુ અને જરૂરિયાત પ્રમાણે વીજપુરવઠોઃ સરકારી તંત્ર અનુસાર, સામાન્ય રીતે રાજયમાં ખેતી માટે એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાતના રોટેશન પદ્ધતિ અનુસાર 8 કલાક વીજળી આપવામાં આવે છે. તે રીતે નિર્ધારીત નીતિ મુજબ ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતીમાં પ્રતિ દિન સરેરાશ 8 કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે. સરકારના જણાવ્યા પ્રમાણે, જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ 75% થી વધુ સપ્લાય દિવસ દરમ્યાન આપવામાં આવે છે. રાજ્યના આશરે 20.10 લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી આશરે 16.01 લાખ ગ્રાહકોને દિવસ દરમ્યાન ખેતી વિષયક વીજળી પૂરી પાડવામાં આવે છે. વરસાદ ખેંચાતો હોય અથવા ઊભા પાકને બચાવવું જરૂરી જણાય તેવા વિવિધ સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણેના ડાંગર, જીરું જેવા પાકને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજગ્રાહકોને પ્રતિ દિન સરેરાશ 8 કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજપુરવઠો પુરો પાડવામાં આવે છે.
હાલમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પીજીવીસીએલના વિજ વિતરણ ક્ષેત્ર હેઠળ આવતા જામ જોધપુર, લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળીયા હટીના તાલુકામાં તેમજ કચ્છ જિલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવા અમલવારી કરવાની સુચના ડિસ્કોમને આપી દેવામાં આવી છે.
મંત્રાલય તરફથી મળતી આંકડાકીય વિગતો પ્રમાણે તા.27.08.2024 ના રોજ પીજીવીસીએલની મહત્તમ વીજમાંગ 3147 મેગાવોટ અને વીજ વપરાશ 55 મીલીયન યુનીટસ હતો. જે હાલમાં તા. 23.09.2024 ના રોજ વધીને અનુક્રમે 9035 મેગાવોટ અને 154 મીલીયન યુનીટસ નોંધાયેલા છે. જે દર્શાવે છે કે પીજીવીસીએલની વીજમાંગમાં ઘણો વધારો થયો છે.