સાબરકાંઠા: દેશના ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સાબરકાંઠા અને હિંમતનગર ખાતે અતિ આધુનિક સાબરદાણ પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે. આ સાથે સાથે ભારતભરમાં બાયોગેસ મામલે જાગૃતતા ફેલાવવા માટેની કાર રેલીનું હિંમતનગરના હાજીપુરથી પ્રસ્થાન પણ કરાવશે. જોકે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોને સાબરદાણ દ્વારા હવેથી અતિ આધુનિક પ્લાન્ટ થકી તમામ જરૂરિયાતોને સરળતાથી પહોંચી શકાશે તે નક્કી છે.
આમ, હિંમતનગર નજીક આવેલા હાજીપુર પાસેના કેટલફીડ પ્લાન્ટમાં આવતીકાલે 800 મેગાટન પ્રતિ દિવસ ઉત્પન્ન કરી શકે તેવા અતિ આધુનિક સાબરદાણ પ્લાન્ટનું દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત સાબરડેરીના પશુપાલકોને આ પ્લાન્ટના પગલે સાબરદાણમાં કોઈપણ પ્રકારની ખેંચ જોવા મળશે નહીં. પરિણામે પશુપાલકો માટે પણ આ પ્લાન્ટ અતિ મહત્વનો બની રહેશે.
જોકે શરૂઆતથી જ સાબર ડેરી પાસે 1000 મેગાટન સાબરદાણ બનાવવાનો પ્લાન્ટ હતો, છતાં કેટલાય પશુપાલકો માટે પશુદાણ માટે ખેંચ સર્જાતી હતી ત્યારે પ્રતિ દિવસ 800 મેગાટન સાબરદાણ બની શકે તે માટેના પ્લાન્ટની કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે શરૂઆત થશે. સાથે સાથે ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટે હિંમતનગરથી કાર રેલી શરૂ થશે. જે અંતર્ગત ગૃહમંત્રી અમિત શાહ હિંમતનગરના આંગણેથી કાર રેલીને લીલી જંડી આપશે, જે ભારતના વિવિધ રાજ્યોમાં બાયોગેસની જરૂરિયાત સમજાવી આગામી 26મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે.
તમને જણાવી દઈએ કે, ભારતમાં ચાર જગ્યાએથી રેલીનું પ્રસ્થાન પણ આવતીકાલેથી કરવામાં આવશે. જે થકી ભારતના મોટાભાગના રાજ્યોમાં બાયોગેસની જરૂરિયાત તેમજ તેની જાગૃતતા ફેલાય તે માટેનો પાયારૂપ પ્રયાસ થવાનો છે.