અમદાવાદ: ભારતનું સર્વપ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી - અમદાવાદ.’ પૌરાણિક સાબરમતી નદી કિનારે વસેલા અમદાવાદની 614મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ જાણીતા ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી સંશોધિત - સંપાદિત ‘साभ्रमतीमाहात्म्य, भाग - २’નું શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર, અમદાવાદ દ્વારા અક્ષર રિવર ક્રુઝ,રિવરફ્રન્ટ (પશ્ચિમ) મુકામે ગ્રંથ લોકાર્પણ અને સાબરમતી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરમતીના ઈતિહાસ પર પુસ્તક: આ પુસ્તક અંગે ઇતિહાસકાર ડો. રિઝવાન કાદરીએ જણાવ્યું હતું કે, રાણીપ સાબરમતી નદીને પદ્મ પુરાણમાં મહામાત્ય આપવામાં આવેલું છે. એક જૂની હસ્તપ્રત મુંબઈની ગુજરાતી ફાર્બસ સભામાં હતી. વર્ષોથી સંશોધકોએ એના ઉપર કામ કર્યું નથી. એ વિશે અમને જાણ થઈ અને અમે મળીને એનો અનુવાદ કર્યો અને એની અંદર રહેલા ઇતિહાસને ફંફોળ્યો હતો. આ પુસ્તકને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વર્ષ 2015માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. એ જ પરંપરાને આગળ ધપાવતા આ પુસ્તકનો બીજો ભાગ આજે ઐતિહાસિક સાબરમતી નદીની અંદર એ પણ સાબરમતી રિવરફ્રન્ટ અટલ ક્રુઝમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજીની અધ્યક્ષતામાં તેમજ જગન્નાથ મંદિરના મહંતજી દિલીપદાસજીના સાનિધ્યમાં સમગ્ર નાગરિકોની હાજરીમાં આ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ડો. રિઝવાન કાદરીએ લખ્યું પુસ્તક: ઇતિહાસકાર ડો. રિઝવાન કાદરીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ગ્રંથમાં પૌરાણિક સાબરમતી મહાત્મયની આખી વિગતો આપવામાં આવી છે. સાથે સાથે બદલાતા ઇતિહાસને જાણવા અને સમજવા માટે આ પુસ્તક ખૂબ જ મહત્વનું છે. કારણ કે, આ પુસ્તકની અંદર જે તીર્થ સ્થાનોનો મહિમા છે. સમયાંતરે એની અંદર કેવો બદલાવ થયો? આજે એ તીર્થોનું સ્વરૂપ કેવી રીતે બદલાયું છે? તે અંગે માહિતી આપવામાં આવી છે. આગામી દિવસોમાં આ પુસ્તક સંશોધકો માટે ચોક્કસ માર્ગદર્શક પુરવાર થશે. આ પુસ્તકમાં પુષ્કળ તીર્થસ્થાનોનું વર્ણન કરવામાં આવ્યું છે.