Onion export banned : નિકાસબંધી હટ્યા બાદ ખેડૂતોએ કહ્યું, તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ તાળા મારવાનો અર્થ નથી - Bhavnagar Marketing Yard
ડુંગળી સિઝનની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારે નિકાસબંધી લાદી હતી. આ સાથે જ રાજ્ય વ્યાપી ખેડૂત આંદોલન શરૂ થયા હતા. જેના કોઈ હકારાત્મક પરિણામ નહોતા આવ્યા. હાલમાં જ કેન્દ્ર સરકારે નિકાસ પર લગાવેલ પ્રતિબંધ હટાવ્યો છે. જોકે આ સમગ્ર મામલે ખેડૂતોએ શું કહ્યું જુઓ...
ભાવનગર :કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. ભાવનગર યાર્ડમાં સારા ભાવ હતા ત્યારે ખેડૂતો ડુંગળી વેચવા આવ્યા હતા. પણ કેન્દ્ર સરકાર નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ડુંગળીના ભાવ એટલા નીચા ગયા કે ખેડૂતોએ રોડ પર ઉતરી આવી દેકારો મચાવી કહ્યું અમારા ખીચ્ચાના નથી નીકળતા. હવે સિઝન પૂરી થવા આવી છે ત્યારે સરકારે નિકાસબંધી હટાવી છે. સમગ્ર મામલે ખેડૂતોની પ્રતિક્રિયા શું છે જુઓ...
ડુંગળીની નિકાસ બંધી હટી : ભાવનગર જિલ્લામાં ડુંગળીનો પાક યાર્ડમાં આવવા તૈયાર હતો અને કેન્દ્ર સરકારે નિકાસબંધી લાદી દીધી હતી. જોકે હવે ડુંગળી ખેતરમાંથી નીકળીને પૂર્ણ થવા આવી છે, ત્યારે ફરી કેન્દ્ર સરકારે નિકાસબંધી હટાવી લીધી છે. ખેડૂત આગેવાને આક્ષેપ કર્યો છે કે તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ હવે તાળા મારવામાં આવી રહ્યા છે. ડુંગળીના સંગ્રહ કરનાર લોકોને ફાયદો અપાવવા માટે હવે નિકાસબંધી હટાવવામાં આવી છે. જ્યારે મોટાભાગના ખેડૂતો પોતાનો માલ વહેંચી ચૂક્યા છે જેનો લાભ ખેડૂતોને મળ્યો નથી.
સિઝન દરમિયાન ડુંગળીના ભાવ : ભાવનગર જિલ્લામાં ખેતીવાડી વિભાગના આંકડા પ્રમાણે 1.10 લાખ હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. ભાવનગર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય યાર્ડમાં ડિસેમ્બરના પ્રારંભથી ડુંગળીની આવક થઈ હતી. ત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ 500 થી લઈને 700 ની વચ્ચે મળી રહ્યા હતા. પરંતુ 15 ડિસેમ્બરથી નિકાસબંધી લાગુ કરતા જ ડુંગળીની આવક વધી અને ભાવ ગગડીને નીચે જતા રહેતા ખેડૂતો મૂંઝાયા હતા. હવે ફેબ્રુઆરીના અંતમાં ડુંગળીની આવક પૂર્ણ થવા આવી છે, ત્યારે સરકારે નિકાસ બંધી હટાવી દીધી છે. તેને લઈને ખેડૂત આગેવાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
નિકાસબંધીની ડુંગળી પર અસર :નિકાસબંધી હટાવી લીધા બાદ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ 25 ટકા સુધી ઉંચકાયા છે. જોકે ડુંગળીની સિઝન અંગે અર્થશાસ્ત્રી શિવાભાઈ પરમારે જણાવ્યું કે, 15 ડિસેમ્બર પહેલા ડુંગળીના ભાવ 150 થી 510 હતા. ત્યાર પછી ભાવ ઘટતા ગયા અને 1 જાન્યુઆરીના રોજ 100 થી 493 રહ્યા હતા. જ્યારે 12 ફેબ્રુઆરીના રોજ ભાવ 150 થી 292 રહ્યા હતા. નિકાસબંધી હટતા આજે એક દિવસે 1.25 લાખ ગુણીની આવક થઈ છે, ત્યારે ભાવ 150 થી લઈને 410 સુધી પહોંચ્યા છે. જોકે વચ્ચેના સમયમાં એક રાતમાં ત્રણ લાખ ગુણીની આવક થઈ હોય તેવું ચારથી પાંચ વખત બન્યું છે. હજુ પણ ડુંગળી આવવાની શક્યતા છે.
ખેડૂતોનો આક્ષેપ :ભાવનગર જિલ્લામાં મોટાપાયે ડુંગળીનું વાવેતર થયું, જેના સારા ભાવ મળતા હતા ત્યારે નિકાસબંધી લાદવાને કારણે ભાવ ગગડી ગયા હતા. ખેડૂતોએ વારંવાર આક્ષેપ કર્યો હતો કે 350 થી નીચે ભાવ જાય તો ખેડૂતોને પોતાનો ખર્ચ પણ નીકળી શકે નહીં. ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ જણાવ્યું કે, સરકારે ડુંગળીની નિકાસ બંધી હટાવી તેમાં ખેડૂતોને કોઈ ફાયદો નથી. 5 થી 25 ટકાનો સારી ગુણવત્તાની ડુંગળીમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ 95 ટકા ખેડૂતો ડુંગળી વહેંચી ચૂક્યા છે. તબેલામાંથી ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા માર્યાનો કોઈ અર્થ નથી. અમને માહિતી છે કે અત્યારે ડુંગળી માફિયાઓએ 1 લાખ મેટ્રિક ટનથી વધુ ડુંગળી સંગ્રહ કરી રાખી છે, તે વિદેશમાં જવાની છે. આ ફતવા દૂર કરી કાયમી નિકાસબંધી હટાવે અને સંગ્રહકર્તાઓને પણ રાહત આપે તેવી અમારી માંગ છે.
ઘોડા છૂટી ગયા હવે ?નિકાસ બંધી હટાવી લેતા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે કિસાન મોરચાના નેતા નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે, આ વર્ષે ડુંગળીની શરૂઆત થઈ ત્યારે 600 થી 700 રુપિયા ભાવ મળતા હતા. બાદમાં નિકાસબંધી આવતા ભાવ 150 થી 300 ની નીચે પહોંચી ગયા હતા. જેનો વિરોધ પણ થયો હતો. સ્થાનિક આંદોલન પણ થયા અને રજૂઆત પણ થઈ હતી. હવે સરકારે નિકાસબંધી હટાવી લીધી છે, સ્થાનિક નેતાઓની રજૂઆત સફળ રહી છે. જોકે જાન્યુઆરીમાં મુખ્ય આવક રહેતી હોય, આ દરમિયાન ત્રણ લાખ ગુણીની આવક થતી હતી.