કચ્છ: વડોદરા અને સુરત બાદ હવે કચ્છમાં પણ નવરાત્રિ બાદ યુવતી સાથે દુષ્કર્મ થયા હોવાની ઘટના સામે આવી છે. પૂર્વ કચ્છના આડેસરમાં ગરબી જોઈ ઘરે પરત ફરતી યુવતી પર પેવર બ્લોકના કારખાનામાં બળાત્કારથી ચકચાર મચી જવા પામી છે. ગરબા પૂર્ણ થયા બાદ યુવતીને અચાનક ચક્કર આવી જતા બે વ્યક્તિ તેને પાણી પીવડાવવા કારખાનામાં લઈ ગઈ ગયા હતાં જ્યાં યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તો આરોપી વિરૂદ્ધ અગાઉ વ્યાજખોરીની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યાં આ પ્રકારની ઘટનાઓ પછી સરકાર અને કાયદાનો આરોપીઓમાં ભય બેસી જવો જોઈએ ત્યાં સતત આવી ઘટનાઓ સામે આવી રહી છે. એ ગુજરાત કે જ્યાં ભાજપી નેતાઓ એવું કહેતા કે દીકરીઓ મોડી રાત્રે પણ સલામત અવરજવર કરી શકે છે પરંતુ અહીં તો ઘટનાઓ કાંઈક જુદુ જ ચિત્ર ઊભું કરી રહી છે. જોકે સત્ય આગામી તપાસ કાર્યવાહી દરમિયાન શું સામે આવે છે? તે જોવું રહ્યું.
ગરબી જોઈ પરત ફરતી યુવતી પર દુષ્કર્મ:વડોદરા અને સુરતમાં યુવતીઓ સાથે થયેલાં દુષ્કર્મના બનાવોની ચકચાર હજુ શમી નથી ત્યાં કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે ગરબી જોઈને પરત ફરી રહેલી યુવતી સાથે કારખાનેદારે બળાત્કાર ગુજારતાં ભારે દોડધામ મચી છે. આડેસરમાં રહેતી 18 વર્ષની યુવતી 7મી ઓકટોબરના રાત્રે 1 વાગ્યે ગરબા જોઈને ઘરે પરત જઈ રહી હતી તે સમયે તેને અચાનક ચક્કર આવી જતા તે ફૂટપાથ પાસે બેસી ગઈ હતી. ત્યારે ત્યાં હાજર સંજય નામનો યુવક તેને નજીકમાં આવેલા પેવર બ્લોકના કારખાનામાં પાણી પીવડાવવા લઈ ગયો હતો.
યુવતી સાથે દુષ્કર્મ:યુવતીને ચક્કર આવતા મદદ માટે સંજય સાથે ભરત નામનો અન્ય યુવક પણ ત્યાં દોડી આવ્યો હતો. ત્યારે યુવતીને એકલાં જોઈને કારખાનામાં રહેલા પ્રવિણ કરસન રાજપૂત નામના શખ્સે સંજય અને ભરતને કારખાનાંના રૂમની બહાર કાઢી મૂક્યા હતા અને દરવાજો બંધ કરીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.