કોમી એકતાના પ્રતિક સમાન 150 વર્ષ જૂનું રમઝાન બજાર સુરત :દક્ષિણ ગુજરાતમાં રહેતા દરેક સંપ્રદાય અને ધર્મના લોકો રમઝાન મહિનાની આતુરતાપૂર્વક રાહ જુએ છે. તેની પાછળનું મુખ્ય કારણ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા રમઝાન બજાર છે. 150 વર્ષ જૂના આ રમઝાન બજારમાં એક, બે કે ત્રણ નહીં પરંતુ અનેક લઝીઝ વાનગીઓ લોકોને ખાવા મળે છે. આ કારણ છે કે રમજાન બજાર ક્યારે લાગશે તેની રાહ એક વર્ષ સુધી આતુરતાથી દરેક ધર્મના લોકો જોતા હોય છે.
રમઝાન બજાર :દક્ષિણ ગુજરાતમાં રહેતા કોઈને વ્યક્તિને સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લાગનાર રમઝાન બજાર અંગે ભાગ્યે જ જાણકારી નહીં હોય. આ બજારમાં મળતી લઝીઝ વાનગીઓના નામ સાંભળતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય છે. વર્ષમાં એક વખત રમઝાન મહિનામાં 30 દિવસ સુધી આ બજાર લોકોને અલગ અલગ વાનગીઓ આપી ખુશ કરી દે છે. ખાસ કરીને રંગુની પરાઠા, ખાવસે, લફે, રંગુની કુલ્ફી સહિતની વાનગીઓ ખાવા માટે લોકો એક વર્ષ સુધી રાહ જોતા હોય છે.
કોમી એકતાનું પ્રતિક :પવિત્ર રમજાન માસમાં ભરાતા આ ખાસ રમઝાન બજારની વાત કરવામાં આવે તો આ બજાર દોઢસો વર્ષનો ઇતિહાસ ધરાવે છે. માત્ર લઝીઝ વાનગીઓ માટે જ નહીં પરંતુ આ બજાર કોમી એકતા માટે પણ જાણીતું છે. અહીં તમામ વેપારીઓ મુસ્લિમ સમાજના છે. પરંતુ અહીં આ લઝીઝ વાનગીઓ ખાવા માટે હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં આવે છે. તેઓ વર્ષ દરમિયાન રમઝાન બજાર ક્યારે શરૂ થશે તેની રાહ જોતા હોય છે.
ખાણીપીણીના શોખીન માટે હોટસ્પોટ :રમઝાન બજારમાં ખાસ કરીને ફરવા અને ખાવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. અહીં તમામ ધર્મ અને સંપ્રદાયના લોકો એક સાથે જોવા મળે છે. સૌથી અગત્યની વાત છે કે બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થનાર આ બજાર રાત્રીના ત્રણ વાગ્યા સુધી ધમધમતું જોવા મળે છે. રાંદેર વિસ્તારના તીન પત્તીથી લઈ રાંદેર બસ સ્ટોપ સુધી આશરે 100 જેટલી નાની મોટી દુકાનો આવેલી છે. જેમાં ખાવા માટે અલગ અલગ વેરાઇટી લોકોને મળે છે. અહીં નોનવેજ વાનગીના ચાહકો મોટી સંખ્યામાં જોવા મળે છે. આશા તે 30 રૂપિયાથી લઈ રૂ. 150ની ડીશમાં લફ્ફે વેચાય છે.
150 વર્ષનો ઈતિહાસ :આ બજારમાં ત્રણ પેઢીથી વ્યવસાય કરનાર પરિવારના સભ્ય ઇલ્યાસભાઈએ જણાવ્યું હતું કે, અમારા દાદાએ આ દુકાનની શરૂઆત કરી હતી. અમે ખૂબ જ નાના હતા જેથી અમને પણ ખબર નથી કે આ બજાર ક્યારથી ભરાય છે. અહીં ફેમસ પરાઠા લોકોને ખૂબ જ ભાવે છે. દરેક ધર્મ અને સંપ્રદાયના લોકોને ઈચ્છા થાય છે કે અમે આ રમઝાન બજારમાં આવીએ. કારણ કે અહીં અવનવી વાનગીઓ લોકોને આકર્ષિત કરતી હોય છે. સાથે અમે નવી વેરાઈટી પણ લાવીએ છીએ. રમઝાન માસમાં ઘરાકી બે ગણી થઈ જાય છે. અહીં દરેક સમાજના લોકો આવે છે. અહીં કોઈને કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી.
વર્ષમાં માત્ર એકવાર મળશે લ્હાવો :પ્રોફેશનથી ડોક્ટર અંકિતભાઈએ જણાવ્યું હતું કે, હું નાનપણથી જ આ બજારમાં આવું છું. આખા વર્ષ દરમિયાન રાહ જોઉં છું કે ક્યારે રમઝાન બજાર ભરાશે. અહીં લઝીઝ વાનગી માત્ર વર્ષમાં એક વખત ખાવા મળતી હોય છે. કોઈપણ ફૂડ લવર ચોક્કસથી રમઝાન માસ ક્યારે આવશે તેની રાહ જોતા હોય છે. અલગ અલગ લઝીઝ વાનગી માત્ર આજ બજારમાં મળે છે. એક વર્ષ રાહ જોઈએ છીએ અને રમઝાનમાં શરૂ થાય ત્યારે અમે ચોક્કસથી અહીં આવીએ છીએ.
રમજાન બજારના ફેમસ પરાઠા :પ્રોફેશનથી વકીલ વસંતભાઈએ જણાવ્યું હતું કે, અહીં દર વર્ષે રમજાન માસમાં લોકો આવે છે. અહીં પરાઠા ખૂબ જ ફેમસ છે. અનેક લોકો રાહ જોતા હોય છે કે ક્યારે રમજાન માસની શરૂઆત થશે અને અમે અહીં પરોઠા ખાવા માટે આવીશું. ખાસ કરીને રવિવારે ખૂબ જ ભીડ હોય છે. લોકો દૂર દૂરથી અહીં બજારમાં આવે છે. ખાસ પરાઠા ખાવા માટે લોકો અહીં આવતા હોય છે. અમે પહેલાથી જ રાહ જોતા હોઈએ છીએ બજાર શરૂ થાય ત્યારે જ અમને વિચાર આવે છે કે શું શું ખાવું છે.
- Ramazan 2024 : રમઝાનમાં ખજૂર ખાઈને રોઝા ખોલવાની પરંપરા, બજારમાં વિદેશી ખજૂરની માંગ વધી
- Ramazan 2024 : પ્રેમ અને સાદગીનું પ્રતીક - રમઝાન માસ, જાણો રમઝાન મહિનાનું મહત્વ