રાજકોટ: રાજકોટ યાર્ડમાં હાલ મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે તેમજ તેની ખરીદ-વેચાણ પણ થઈ રહ્યું છે, તેની સામે ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે, તેવું ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. રાજ્ય સરકારે ટેકાના ભાવની જાહેરાત કરી છે પરંતુ હજુ થોડા દિવસો બાદ એ ખરીદી શરૂ કરશે. જેથી વહેલી ખરીદી શરૂ કરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે.
દિવાળી પહેલા મગફળીની ખરીદી થાય: રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં મગફળીની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. તે મગફળી આગામી લાભપાંચમના દિવસથી ખરીદી શરૂ કરવામાં આવશે, ત્યારે રાજકોટ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે અને ખેડૂતોને સસ્તા ભાવે મગફળી વેચવી પડે છે. ખેડૂતોનું કહેવું છે કે,'મગફળી જો સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની જ હોય તો દિવાળી પહેલા ખરીદી કરવી જોઈએ. કારણ કે અમારે બીજું વાવેતર પણ કરવાનુંં હોય, સાથે સાથે કેટલાક બિલો થવાના હોય, દવાઓના બિલ ચૂકવવાના હોય અને નવા વાવેતર માટે બીજની ખરીદી પણ કરવાની હોય. દિવાળી પહેલા અમે તહેવારો માણી શકીએ તેના માટે આ મગફળીની ખરીદી સરકારે કરવી જોઈએ.'