રાજકોટ: હાલમાં જ દેશભરમાં ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે હવે રાજકોટ શહેરની હોટલમાં બોમ્બ મૂક્યો હોવાનો ઇમેઇલ મળતા પોલીસ દોડતી થઈ હતી. જોકે તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુઓ ન મળતા પોલીસ સહિત હોટલ માલિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
બપોરે હોટલ માલિકને મળ્યો હતો ઈ-મેઇલ
રાજકોટ શહેરમાં આવેલી 10 જેટલી નામાંકિત હોટલોમાં બોમ્બ મૂક્યો હોવાનો ઈમેઇલ બપોરના 12:45 વાગ્યાના અરસામાં હોટલ માલિકોને મળ્યો હતો. રાજકોટ શહેરની ઇમ્પિરીયલ પેલેસ હોટલ, ભાભા હોટલ, ધ ગ્રાન્ડ રેજન્સી સહિતની હોટલમાં બોંબ મૂક્યો હોવાની જાણ કરવામાં આવી હતી. હોટલ માલિકોને મળેલા ઈમેઇલમાં લખવામાં આવ્યું હતું કે, "મેં તમારી હોટલના તમામ સ્થળો પર બોમ્બ મુક્યો છે. બોમ્બ થોડાક જ કલાકોમાં ફૂટતા અનેક માસુમ લોકો આજે પોતાની જિંદગી ગુમાવશે. જલ્દી કરો અને તાત્કાલિક અસરથી હોટલને ખાલી કરો" આ પ્રકારનો મેસેજ ઇમેઇલમાં લખવામાં આવ્યો હતો.