અમદાવાદ: ભ્રષ્ટાચાર એક એવી વસ્તુ છે કે જે એક વ્યક્તિથી શરૂ થઈ ટોચના અધિકારીઓ સુધી અસર કરે છે. જેના કારણે જાહેર જનતા હેરાન થતી હોય છે. કંઈક આવા જ દાવા સાથે ગુજરાતના લોકોએ એક સરકારી અધિકારીની ઓફિસમાં વિરોધ પ્રદર્શન કરતા હોબાળો મચાવ્યો હતો જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
રોષે ભરાયેલા લોકોએ ખુરશી પર બેઠેલા સરકારી અધિકારી ઉપર નોટો ફેંકી રોષ વ્યક્ત કર્યો હતો અને જવાબ માંગ્યો હતો. લોકોએ અધિકારી પર સતત નોટ ફેંકી રહ્યા હતા અને થોડી જ મિનિટોમાં અધિકારી જાણે નોટોથી ઢંકાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જાહેર જનતાના વિરોધનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વિરોધ કરવા આવેલા લોકોએ ગળામાં કાર્ડ લટકાવ્યા હતા, જેમાં બિલ્ડર તેમજ અન્ય નામ લખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વાયરલ થયેલા વીડિયો ટ્વિટના કેપ્શનમાં લખ્યું છે કે, "લે ખા.. કેટલી હરામની કમાઈ ખાઈશ," "જનતાએ એમની જ ભાષામાં આપ્યો જવાબ"
ઉપરાંત કટાક્ષ કરતાં લખ્યું છે કે, "હવે અધિકારીઓ પણ શું કરે તેમને પણ જોબ માટે કેટલી બધી રિશ્વત આપી હશે. હવે તે તેના માલિકોને (ઉચ્ચ અધિકારીઓ) આપશે? આ અનુમાન લગાવવું પણ જરૂરી છે"