અમદાવાદ: લોકસભા ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આજે તેમના માદરે વતન ગુજરાતની મુલાકાતે છે. વહેલી સવારે PM મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં PM મોદી હાજર રહ્યા. નમો સ્ટેડિયમમાં PM મોદીએ ઓપન જીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ સાથે સવાર થઈ અભિવાદન ઝીલ્યું હતું.
દેશના પશુધનને કર્યા પ્રણામ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GCMMFની સુવર્ણ જયંતી ઉજવણી નિમિતે 1 લાખ ડેરી ખેડૂતોને સંબોધિત કરી લાખો ડેરી ખેડૂતોને સશક્તિકરણ કરવાની GCMMF ની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના ગામડાઓએ મળીને જે છોડ ઉગાડ્યો હતો આજે વિશાળ વટવૃક્ષ બની ગયો છે. તેની શાખાઓ વિદેશ સુધી ફેલાઈ ગઈ છે. દેશના પશુધનને હું કોટી કોટી પ્રણામ કરું છું. તેમના વિના ડેરી સેક્ટરની કલ્પના કરવી મુશ્કેલ છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે આધુનિકતાને સ્વીકારે એ સહકારી માળખું.
ડેરી સાથે 8 કરોડ લોકો સીધા જોડાયેલા:આઝાદી પછી દેશમાં ઘણી બ્રાન્ડ આવી પણ અમુલ જેવી કોઈ બની શકી નહીં. અમૂલ વિશ્વની આઠમી સૌથી મોટી ડેરી છે. જેને તમારે એક નંબર પર લઈ જવાની છે.આજે દુનિયાના 50 દેશમાં અમુલની પ્રોડક્ટ નિકાસ થાય છે. દેશમાં ડેરી સાથે આજે 8 કરોડ લોકો સીધા સંકળાયેલા છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધિમાં 40 ટકાનો વધારો થયો છે. જ્યારે દેશમાં છેલ્લા 10 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં 60 ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં 10 હજાર ખેડૂત સંઘ છે. પશુપાલકો માટે 30 હજાર કરોડનું એક અલગ ફંડ બનાવ્યું છે. આજે દુનિયામાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ આપણો છે.
ડેરી ઉદ્યોગ 70 ટકા ફાળો મહિલાઓનો:વિશ્વમાં ડેરી ઉદ્યોગ 2 ટકાના દરે વૃદ્ધિ પામે છે, ત્યારે ભારતમાં ડેરી ઉદ્યોગ 6 ટકાના દરે વધે છે. દેશમાં ડેરી ઉદ્યોગનું કદ 10 લાખ કરોડ છે. જેમાં 70 ટકા ફાળો મહિલાઓનો છે. દેશમાં મહિલા સ્વ સહાય જૂથને ભાજપ સરકારે છ લાખ કરોડની મદદ કરી છે. દેશમાં ઘર વિહોણા ૪ કરોડ ઘર આપ્યા છે. જેમાં મોટા ભાગની મહિલાઓ છે હવે નમો ડ્રોન દીદી યોજના થકી મહિલાઓ ખેતરમાં જંતુ નાશકનો છંટકાવ કરશે. 21 ફેબ્રુઆરીની મોડી રાતે અમારી ભાજપ સરકારે નેશનલ લાઇવ સ્ટોક મિશનમાં સંશોધન કરી પશુધન માટે પણ ખેડૂતને ફાયદો થાય તેવી વીમા યોજના અંગે નિર્ણય કર્યા છે.
GCMMF, જેને અમૂલ ફેડરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વની સૌથી મોટી ખેડૂત માલિકીની ડેરી સહકારી સંસ્થા છે. ગુજરાતમાં ડેરી સહકારી સંઘોની સર્વોચ્ચ સંસ્થા છે, જે 'અમૂલ' બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. GCMMF 9 જુલાઈ, 1973 ના રોજ અસ્તિત્વમાં આવ્યું, જ્યારે અમૂલ બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવા માટે ભારતના મિલ્કમેન ડૉ. વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ છ દૂધ સંઘો એક સાથે આવી. અમૂલ ફેડરેશન હાલમાં 18 દૂધ સંઘો ગુજરાતના 18,600 ગામોમાં 36 લાખથી વધુ ખેડૂતો ધરાવે છે.