દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ ઉત્સવને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. દ્વારકામાં હાલ ભક્તિમય માહોલ જામ્યો છે. દ્વારકામાં કીર્તિસ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી જવા માટે બેરી ગેટ અને ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દ્વારકામાં ફુલડોલ ઉત્સવ પર લાખો યાત્રિકો પગપાળા અને વાહનોથી દ્વારકામાં ખાસ ફુલડોલ ઉત્સવ પર આવતા હોઈ છે. ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ દ્વારકામાં દર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવેલ છે. જેમાં કીર્તિસ્તંભથી એન્ટ્રી થાય છે તે રીતે વ્યવસ્થા ગોઠવાઈ છે.
પદયાત્રીઓ માટે કેમ્પની વ્યવસ્થા
તંત્ર અને મંદિર સમિતિ દ્વારા ભગવાન દ્વારકાધીશ સંગ રંગે રમવા તમામ તૈયારીઓને આખરી પૂર્ણ કરાઇ છે. દૂર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુને કોઇ તકલીફ ન પડે તે માટે દ્રારકા તરફ જતાં રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે. ઠેક ઠેકાણે સેવા કેમ્પો લગાડયા છે અને જેમાં પદયાત્રિકોને ચા, નાસ્તો, જમવાનું તેમજ આરામ કરવા માટેની તેમજ નાવા ધોવાની સંપૂર્ણ સગવડ આપવામાં આવે છે તો પગપાળા જતાં શ્રદ્ધાળુને મેડિકલ સગવડ પણ કેમ્પોમાં આપવા આવી રહી છે.
ડીજેના તાલ પર દ્વારકાધીશના રાસ ગરબા પણ ચાલુ છે ત્યારે દ્રારકા જતા તમામ માર્ગો પર દ્વારકાધીશના નાદ ગુંજી રહો છે. યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ હાઇવે રોડ પર લોકોને વાહન ધીમે ચલાવવા અનુરોધ કરાયો છે. પગપાળા આવતા યાત્રિકોને રસ્તા પર પરેશાની ના થાય તે હેતુથી વન વે રોડ જાહેર કરાયા છે તો હાઇવે પર કોઈ અકસ્માત ના થાય તે માટે ગતિ મર્યાદા પણ તંત્ર દ્વારા નક્કી કરી દેવાય છે. યાત્રિકોની ભીડ ભારે પ્રમાણમાં આ વખતે દ્વારકામાં ઉમટવાની છે ત્યારે તંત્ર પણ તડામાર તૈયારી કરી ચૂક્યું છે. અલગ પાર્કિંગ ઝોન કરવામાં આવ્યા છે એટલું જ નહિ
પોલીસની ટીમ ખડેપગે
યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTV, ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવશે. તો દ્વારકા પોલીસ દ્વારા 1 એસ.પી.6 DYSP , 72 પી.આઇ. /પી.એસ.આઇ સહિત કુલ 1100 જેટલા પોલીસ હોમ ગાર્ડ, જી. આર. ડિ. ના જવાનો તૈનાત રેહસે.તો એલ.સી.બી.એસ. ઓ.જી.ની ટીમ સહિત પોલીસની સી ટીમ પણ ભક્તોને મદદે હાજર રહેશે. દ્વારકામાં તેમજ નવા બનેલા બ્રિજ અને બેટ દ્વારકામાં ભીડ ન થાય કે કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપો અને બેરીકેટ મુકવામાં આવ્યા છે.
આરોગ્યની ટીમ તૈનાત
દ્વારકા પધારતા ભક્તો માટે હોટેલ, ધર્મશાળામાં વધુ ભાડા ના લેવાય તે પણ ધ્યાન તંત્ર દ્વારા લેવાય રહ્યું છે તો મોટી સંખ્યામાં આવતા ભક્તોને જમવાનો આહાર પણ ઉત્તમ મળે તે માટે ફૂડ વિભાગને પણ એલર્ટ રખાયું છે. એટલું જ નહિ અહીં પધારતા ભક્તોને તબીબી સારવારની જરૂર પડે તો તે માટે અલયાદી આરોગ્યની ટીમ પણ તંત્ર દ્વારા અહી તૈનાત કરાઇ છે. સાથે જ આટલી મોટી ભીડમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે વધારાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે. દ્વારકામાં બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યો છે, દ્વારકાધીશ મંદિરમાં યાત્રિકોની લાંબી કતારો જોવા મળી રહી છે.
25 તારીખે ઉજવાશે ફુલડોલ ઉત્સવ
દર વર્ષે હોળીકા દહન થઇ ગયા બાદ ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. આગામી 25 મી તારીખે બપોરે 2:00 થી 3:00 દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. હાલ યાત્રિકોની સંખ્યામાં આ વખતે વધારો જોવા મળી રહ્યો હોઈ દ્વારકામાં હાલ કીર્તિસ્તંભથી એન્ટ્રી યાત્રિકો મેળવશે. વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણતા તરફ છે. ત્યારે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ સંગ હોળી ઉજવવા અધિરા બન્યા છે.
- વિસનગરમાં રમાતી ખાસડા હોળીની અનોખી પરંપરા, જૂતાં મારો તો વર્ષ સારું જાય - Visnagar Khasda Holi 2024
- અંધજનોની જિંદગીમાં રંગ પૂરાયા, પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના વિદ્યાર્થીઓએ કરી હોળીની ઉજવણી - Holi 2024