પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં વિવાદનો મધપૂડો પોરબંદર :પોરબંદરની વર્ષો જૂની સંસ્થા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આગામી સમયમાં યોજાનાર કારોબારીની ચૂંટણીમાં નજીવા કારણ દર્શાવી 10 ઉમેદવારના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ મામલે જેમના ફોર્મ રદ્દ થયા છે તે ઉમેદવારોએ રોષ ઠાલવ્યો છે. ઉમેદવારોએ માંગણી અંગે રજૂઆત કરી જરૂર પડે તો કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે.
ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી : પોરબંદર ચેમ્બર્સ ઓફ કોમર્સ વેપારીઓ માટે કાર્યરત અને ટ્રસ્ટના કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થા છે. આ સંસ્થાનો હેતુ વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરવાનો છે. પરંતુ કેટલાક સમયથી આ સંસ્થા સતત વિવાદમાં આવી રહી છે. તાજેતરમાં આ સંસ્થાના 10 કારોબારી સભ્યો માટે ચૂંટણીનું આયોજન નિયમ મુજબ થયું હતું.
ઉમેદવારના ફોર્મ થયા રદ્દ : કોઈ પણ સંસ્થાની ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ કરવાની સત્તા માત્ર નિમણૂક પામેલ ચૂંટણી અધિકારીઓને જ હોઈ છે .જ્યારે નિયમોને ઘોળીને આ ચૂંટણી માટેનો કાર્યક્રમ માનદ મંત્રી અને સહમત મંત્રીના નામથી જાહેર કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ હાલના હોદ્દેદારો હરીફાઈ કે બરાબરી કરવા માટે માનસિક તૈયાર ન હોવાથી આ ચૂંટણીમાં ભાગ લેનારા સામેના પક્ષના 10 ઉમેદવારોના ફોર્મ સામાન્ય કારણ દર્શાવી રદ્દ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
સંસ્થામાં કેન્સર ઊભું થયું છે જેનો ઓપરેશન વગર નિકાલ નહીં થાય. હાર-જીત બીજા નંબરની બાબત છે, પરંતુ સંસ્થાના નિયમોને અવગણીને લોકશાહીનું ચીરહરણ થતું હોય તે ચલાવી શકાય નહીં. --નલિન કાનાણી (પૂર્વ પ્રમુખ, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ)
આ ઉમેદવારના ફોર્મ રદ્દ :આ ઉમેદવારોમાં નિલેશ રુઘાણી, રાજેશ બુધદેવ, મિલન કારીયા, નલિન કાનાણી, મુકેશ દતાણી, શ્યામ રાયચુરા, ભાવિન કારિયા, દિપેશ સીમરીયા અને રાજેશ માંડવીયાના ઉમેદવારી ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. આ તમામ 10 ઉમેદવારોએ આજે કલ્યાણ હોલ ખાતે વિરોધ દર્શાવ્યો હતો.
ઉમેદવારોનો ઉગ્ર વિરોધ : પોરબંદર ચેમ્બર્સ ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ નલિન કાનાણીએ જણાવ્યું કે, આ સંસ્થાના બંધારણમાં જોગવાઈ પણ ન હોય એવા કારણો સાથે અમારા ફોર્મ ગેરકાયદેસર રીતે રદ્દ કરવામાં આવ્યા છે. તેમણે આ ચૂંટણીનો કાર્યક્રમ તાત્કાલિક અટકાવવા અથવા હાલનો કાર્યક્રમ રદ્દ કરી નવેસરથી ચૂંટણી કાર્યક્રમ નિયમ મુજબ પ્રસિદ્ધ કરવા અને ત્યાં સુધી કામ ચલાઉ મનાઈ હુકમ મેળવવા કાર્યવાહી કરી છે. હાર-જીત બીજા નંબરની બાબત છે, પરંતુ સંસ્થાના નિયમોને અવગણીને લોકશાહીનું ચીરહરણ થતું હોય તે ચલાવી શકાય નહીં.
વિવાદિત નિવેદન :નલિન કાનાણીએ વધુમાં નિવેદન આપ્યું કે, સંસ્થામાં કેન્સર ઊભું થયું છે જેનો ઓપરેશન વગર નિકાલ નહીં થાય. આ બાબતે રાજકોટના ચેરીટી કમિશનરને પણ રજૂઆત કરી છે. જો નિરાકરણ નહીં આવે તો ન્યાયપાલિકાનો પણ સહારો લેવો પડશે. નલિન કાનાણીએ સંસ્થાના દરેક સભ્યોએ આ બાબતના સમર્થનમાં આગળ આવવું જોઈએ તેવી અપીલ પણ કરી હતી.
- Porbandar Crime: ચેમ્બરના પ્રમુખ પાસે ખંડણી માંગનારની ધરપકડ, જામનગર કનેક્શન ખુલ્યું
- NCC Cadets In Gujarat: ગુજરાતમાં સૌપ્રથમવાર NCC કેડેટ્સ દ્વારા સમુદ્રમાં 250 કિલોમીટર સેલિંગ એક્સપીડિશન પ્રારંભ