પોરબંદરઃ સમગ્ર દેશમાં અત્યારે ચૂંટણીની મોસમ જામી રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં રાજકીય પક્ષો ગળાડૂબ છે. જો પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે તો તેના ઉમેદવાર તરીકે અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા છે જ્યારે કૉંગ્રેસે આ બેઠકની પેટા ચૂંટણી લડવા માટે રાજુ ઓડેદરાને ઉમેદવાર બનાવ્યા છે. રાજુ ઓડેદરા સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી છે.
પ્રાથમિક પરિચયઃ પોરબંદરના ફટાણા ગામના ખેડૂત પરિવારમાં 11 ઓક્ટોબર 1985માં રાજુ ઓડેદરાનો જન્મ થયો હતો. તેઓ પીજી ડી ઈન વેલ્યુ એજયુકેશન એન્ડ સ્પિરિચ્યુઆલીટી (2015), માસ્ટર ઓફ લેબર વેલ્ફેર એમ એલ ડબ્લ્યુ (2008)સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, ડિપ્લોમા હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ (2008) AIIMAS ચેન્નઈ ડિસ્ટન્સ એજ્યુકેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જ બેચલર ઓફ કોમર્સ (2006)નું શિક્ષણ લીધેલ છે.
રાજકીય કારકિર્દીઃ રાજુ ઓડેદરા કૉંગ્રેસમાં 2003થી જોડાયા છે. તેમણે પક્ષમાં વિવિધ હોદ્દા સાંભળેલ છે. વર્તમાનમાં તેઓ પોરબંદર જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ છે. અર્જુન મોઢવાડિયા સાથે પણ રાજુ ઓડેદરાએ કામ કરેલ છે. શરૂઆતમાં તેઓ તાલુકા એનએસયુઆઈ વર્કરથી લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તથા પોરબંદર જિલ્લાના આઈટી સેલ કૉંગ્રેસના પ્રમુખ, તાલુકા અને જિલ્લા પંચાયત ચુંટણીમાં ફટાણા જિલ્લા પંચાયત સીટના પ્રભારી, ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ સેવાદળમાં ટ્રેનર પણ રહી ચૂક્યા છે. તેઓ પ્રાઈવેટ કંપનીમાં મેનેજર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
ETV BHARAT: પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના અર્જુન મોઢવાડીયા વિરુદ્ધ કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે તમને જાહેર કર્યા છે શુ કહેશો ?
રાજુ ઓડેદરાઃ મને ઉમેદવાર બનવા માટે તક આપી એ બદલ કૉંગ્રેસ પક્ષનો હું આભાર માનું છું. પોરબંદરમાં એક નવયુવાનની પસંદગી કરવામાં આવી છે. અમારી ટીમે મહનત શરૂ કરી દીધી છે. મહેનતનું પરિણામ સારુ આવશે તેવી મને આશા છે.
ETV BHARAT: ભાજપના અર્જુન મોઢવાડીયાને કઈ રીતે ફાઈટ આપશો?
રાજુ ઓડેદરાઃ હું એવો માણસ છું કે કોઈને પ્રતિસ્પર્ધી નથી ગણતો. સામે કોણ ઉમેદવાર છે એ વિશે ધ્યાન નથી આપતો. અમે અમારી આઈડીયોલોજી મુજબ કામ કરશું. લોકો સુધી જવાનો પ્રયત્ન કરશું. લોકો જેવા પ્રતિનિધિ ઈચ્છે છે તેવું પ્રતિનિધિત્વ અમે પૂરું પાડશું.