જામનગર: હાલારની ધરતીને સદીઓથી જે સુવિધાની રાહ જોવાઈ રહી હતી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ એક સ્વપ્ન હતું કે બેટ દ્વારકા ખાતે દરિયામાં સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવે અને આ સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. આગામી 25મી ફેબ્રુઆરીના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ દ્વારકા ખાતે વડાપ્રધાન દ્વારા જંગી સભાને સંબોધવામાં આવશે. તે અગાઉ તારીખ 24 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન જામનગર ખાતે સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે.
તારીખ 24 મી ફેબ્રુઆરીના રોજ જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણના પગલે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા આજે સર્કિટ હાઉસ ખાતે અને જામનગર એરફોર્સ કે જ્યાં વડાપ્રધાનનું હવાઈ ઉતરાણ થવાનું હોય અને ત્યાંથી સર્કિટ હાઉસ સુધીના માર્ગ પરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સર્કિટ હાઉસના જુદા જુદા વિભાગોની રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે મુલાકાત લીધી અને વડાપ્રધાનના કાફલાના રૂટનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.