અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે 63મો જન્મદિવસ છે. આ શુભ અવસર નિમિતે આજે દિવસની શરૂઆત જ મુખ્યમંત્રીએ અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરની મુલાકાતથી કરી હતી. ત્રિમંદિર સંકુલમાં ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય નીરુએ દાદા ભગવાનની સમાધિ ખાતે પ્રાર્થના કરી, આશીર્વાદ મેળવ્યા હતા, અને શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ તેમના સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિની કામના કરી રાજ્યના લોકો અને સમગ્ર રાજ્યના સતત વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીની રાજકીય સફર: વર્ષ 1995 માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યારે તેઓ મેમનગર નગરપાલિકાની સ્થાયી સમિતિમાં ચૂંટાયા. તેઓ વર્ષ 1999-2000 અને 2004-2006 દરમિયાન સ્થાનિક સંસ્થાના અધ્યક્ષ બની એક દાયકાથી વધુ સમય સુધી મ્યુનિસિપાલિટીમાં સેવા આપી. તેમણે 2008 અને 2010 વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના વાઇસ-ચેરમેન તરીકે પણ સેવા આપી છે. બાદમાં, તેમણે 2010 થી 2015 સુધી થલતેજ વોર્ડના કોર્પોરેટર તરીકે સેવા આપી હતી. આ કાર્યકાળ દરમિયાન, તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા. અને 2015 માં, તેઓ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. 2017 માં, ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા મતવિસ્તારમાંથી ચૂંટણી જીતીને પ્રથમ વખત વિધાનસભાના સભ્ય (એમએલએ) બન્યા.