ઘરના છોકરા ઘંટી ચાટે'ને પાડોશીને આટો (ETV Bharat Desk) છોટાઉદેપુર :ગુજરાત રાજ્યના 33 જિલ્લામાં સૌથી પછાત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકો ગણાય છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી. હવે આ વિસ્તારની વરવી વાસ્તવિકતા સામે આવી છે.
કવાંટ તાલુકાનું છેવાડાનું ગામ : કવાંટ તાલુકાના હાફેશ્વરથી નર્મદા નદીનું પાણી પાઈપલાઈન મારફતે છેક દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું છે. પરંતુ હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં નિવાસ કરતા 30 પરિવારના 125 જેટલા પરિવારોના સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યાં છે.
બસ્કરી ફળિયાનો આંખો દેખ્યો અહેવાલ :
ETV Bharat ટીમ જ્યારે તુરખેડા ગામના બસ્કરી ફળિયાની રૂબરૂ મુલાકાત લેવા પહોંચી તો અનુભવ્યું કે, નેજે પાણી આવી જાય તે રીતે એક નહીં પરંતુ અનેક ડુંગરાનો ઉતાર ચઢાવ ચઢીને પહોંચી શકાયું હતું. તુરખેડા ગામના આ ફળિયામાં રૂબરૂ મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોની આપવીતી જાણતા એક તબ્બકે હૃદયમાં ધ્રાસકો પડ્યો હતો.
નર્મદા નદીના કિનારે વસેલા આ બસ્કરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો પણ અનેક ડુંગર ઉતરી બે કિલોમીટર દૂર નર્મદા નદીમાં પીવાનું પાણી લેવા જાય છે. નર્મદા નદીનું ડહોળુ પાણી ભરી બેડાઓ માથે મૂકી મહિલાઓ અનેક ડુંગર ચઢી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે.
નર્મદા નદીના કાંઠાથી ખાલી હાથે ટેકરા ચઢવું મુશ્કેલ છે, ત્યારે મજબૂત બાવડાની આદિવાસી મહિલાઓ માથે પાણીના બેડા ઊંચકી ટેકરા ચડીને પાણી લાવતા હૃદયદ્રાવક દ્રશ્યો જોઈ આંખમાં આસું આવી જાય. પરંતુ જાડી ચામડીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સતાધીશો આ ગામના લોકોની વેદનાં સમજશે કે કેમ તે એક પ્રશ્ન ઊભો થાય છે ?
પાયાની સુવિધાથી વંચિત નાગરિક :મૂળ તુરખેડા ગામ નર્મદા ડેમના ડૂબમાં જતાં અસરગ્રસ્તોનો વસાહતોમાં પુનઃવસવાટ કરવામાં આવ્યો છે. પરંતુ જે લોકો ડૂબમાં નહીં ગયાં તે લોકો આજે પણ આદિમાનવ જેવું જીવન જીવવા મજબૂર બન્યા છે. બસ્કરી ફળિયા સુધી પહોંચવા માટે રસ્તો નથી, ત્યાં બાળકો માટે આંગણવાડી, પ્રાથમિક શાળા કે આરોગ્ય જેવી કોઈ સુવિધા નથી. તેને લઈને ત્યાંના બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડ્યું છે. આ ફળિયામાં 3 જેટલા હેન્ડ પંપ માટે બોર ઉતારવામાં આવ્યા, પરંતુ પાણી નહીં આવવાથી આ બોર પણ ફેલ ગયા છે. જેથી આ ફળિયાના લોકો નર્મદા નદીનું ડહોળું પાણી પીવા માટે મજબૂર છે.
પાણી તંગીએ જીવ લીધા : પાણીની તીવ્ર તંગી વેઠતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે, બે કિલોમીટર ચાર ડુંગર ચડીને માથે પાણી લઈ જવા માટે રસ્તામાં બે-ત્રણ જગ્યાએ બેડા ઉતારી થાક ઉતારવો પડે છે. આ રીતે ઢોર અને છોરા માટે પાણી લાવવું પડે છે. નાહવા ધોવા માટે નર્મદા નદીએ જઈએ છીએ, પણ પાણીમાં ખૂબ મોટા પ્રમાણમાં મગર હોવાથી મગરની પણ બીક લાગતી હોય છે. પશુઓ નદીમાં પાણી પીવા જાય તો ઘણા પશુઓને મગર ખેંચી લઈ ગયાના બનાવો બન્યા છે.
- ETV Bharat ટીમે આ અંગે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરનો સંપર્ક કરતા તેમણે આ અંગે વાત કરવાનું ટાળ્યું હતું.
- છોટાઉદેપુરમાં એક દાયકાથી વણઉકેલાયેલા પ્રશ્નો, અંતરિયાળ ગામોના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો, શું છે સમસ્યા ?
- છોટાઉદેપુરના રોડ-રસ્તાની ખસ્તા હાલત, છેલ્લા 10 વર્ષથી હાલાકી ભોગવતી જનતા - Chotaudepur Local Issue