ગુજરાત

gujarat

ETV Bharat / state

'GHCL ગો બેક' ના નારા સાથે બાડા ગામના લોકોનું મામલતદારને આવેદન, જીવન મુશ્કેલીમાં હોવાની રાવ ઉઠી - PROTEST AGAINST GHCL

Protest against GHCL - માંડવીના બાડા ગામે કંપની સામે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે...

GHCL ગો બેક ના નારા સાથે બાડા ગામના લોકોનો વિરોધ
GHCL ગો બેક ના નારા સાથે બાડા ગામના લોકોનો વિરોધ (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2024, 11:00 PM IST

કચ્છઃકચ્છના માંડવી તાલુકાના બાડા ગામે આવી રહેલી જીએચસીએલ કંપનીના વિરોધ રૂપે આજે બાડાથી માંડવી સુધીની પ્રતિકાત્મક રેલી યોજાઇ હતી. જેમાં લોકોએ કાળા વાવટાઓ સાથે જીએચસીએલ ગો બેક ના નારા લગાવ્યા હતા અને વિવિધ ગામના બહોળી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકો પોતાની ફોરવીલ, રિક્ષાઓ અને બાઈક્સ સાથે રેલીમાં જોડાયા હતા અને માંડવી તાલુકાના લોકોએ જીએચસીએલને મંજૂરી ન આપવા બાબતે આવેદન પત્ર અપાયું હતું.

ગામ લોકોએ પ્રતિકાત્મક રેલી સ્વરૂપે કંપનીનો વિરોધ કર્યો

GHCL કંપની માંડવી તાલુકાના બાડા ગામે સોડાએશ, લાઈટ સોડા એશ તથા સોડિયમ બાયકાર્બોનેટના ઉત્પાદન માટે સ્થાપવામાં આવનાર છે. આ કંપની આ વિસ્તારમાં સ્થાપવામાં આવે તો તમામ પ્રકારના પર્યાવરણ રોજગારી જીવસૃષ્ટિ તથા આધ્યાત્મિક તથા ધાર્મિક સ્થળો ધ્યાન કેન્દ્ર અને કુદરતી પાણીના વહેણોને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાન કરશે અને શાંતિ સુખથી જીવાતી જિંદગીને પાયમાલ કરશે તો આ કંપનીને મંજૂરી આપતા પહેલા એ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તેવી ગામલોકોએ રજૂઆત કરી હતી.

મામલતદારને આવેદન (ETV BHARAT GUJARAT)

કામ લોકોએ મામલતદાર સમક્ષ વિવિધ મુદ્દાઓ મૂક્યા

ગામલોકોએ જણાવ્યું હતું કે, બાડા તથા આસપાસના ગામોની ખેતી આધારિત તથા પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા ગામો છે તથા ખારેક, દાડમ અને ડ્રેગન ફ્રુટના સારા બગીચાઓ આવેલા છે. જેના થકી એ સ્થાનિક લોકોને સારી આવક મળી રહે છે અને જિલ્લા બહારના અને રાજ્ય બહારના મજૂરો પણ મોટી સંખ્યામાં રહે છે. આમ, દૂધ, ફળફળાદી તથા અનાજ અને શાકભાજીની સારી ઉપજાઉ જમીનને વ્યાપક અસર થશે અને હજારો લોકોની પરંપરાગત રોજી રોટી છીનવાઈ જવાનો ભય છે.

કંપની વિરુદ્ધ પ્રદર્શન (ETV BHARAT GUJARAT)

આ ઉપરાંત નર્મદા યોજના લાવવામાં આવી છે, અને નર્મદાના પાણી જ્યારે આ વિસ્તારમાં આવી ગઈ છે અને વર્ષોથી કચ્છીઓ જેની રાહ જોતા હતા, તે ખેતી કરવાને બદલે જમીન ઉપર આવા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો આવશે તો કચ્છીઓના અને ખાસ કરીને અમારા વિસ્તારના લોકોના સપના દુઃસ્વપ્નમાં ફેરવાઈ જશે.

ગામને બચાવવા પોસ્ટર્સ દર્શાવાયા (ETV BHARAT GUJARAT)

કુદરતી પર્યાવરણને નુકસાન થવાની ભીતી

તેમનું કહેવું છે કે, બાડા ગામમાં આ કંપનીના પ્લાન્ટ સ્થાપવાની વાત છે ત્યાં સ્થાનિક લોકો દ્વારા મધનું સારું એવું કલેક્શન કરવામાં આવે છે તથા રોજગારી પણ સારી મળે છે. જે આ પ્રદૂષિત હવાને લીધે મધ ઉદ્યોગ પણ લગભગ નષ્ટ થશે અને સેંકડો પરિવારોને પારાવાર મુશ્કેલીમાં મુકાવું પડશે. તો જ્યાં કંપની આવવાની છે ત્યાં, ખૂબ જ જુના તળાવ આવેલા છે. જે પર્યાવરણીય રીતે તથા અમારી ગ્રામ્ય સંસ્કૃતિના અભિન્ન અંગ છે. જે નષ્ટ થશે, તથા 20 થી વધુ ચેકડેમો આવેલા છે અને અનેક કુદરતી પાણીના વહેણ આવેલા છે. આ બધું નષ્ટ થવાથી, અમારી જિંદગી પર ખૂબ જ ખરાબ અસરો થવાની છે અને જેનો ભોગ અમે તથા અમારી ભાવિ પેઢીને થવાનું છે તથા ચારીયણ બીડો અને પશુઓને વિપરીત અસર થશે, જે લગભગ નાબૂદ થઈ જશે.

વિશ્વવિખ્યાત વિપસ્યાના ધ્યાન કેન્દ્રને થશે નુકસાન

આ ઉપરાંત વિશ્વવિખ્યાત વિપસ્યાના ધ્યાન કેન્દ્ર બાડા ગામે આવેલું છે. જ્યાં ધ્યાન માટે વિશ્વમાંથી લોકો આવે છે. આ જગ્યાની પસંદગી, ખાસ વાતાવરણ અને આધ્યાત્મિક અસરોને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. આ કંપની આવવાને લીધે આવા ઉત્તમ પ્રકારના ધ્યાન કેન્દ્ર ઉપર વિપરીત અસર થશે, આવા કેન્દ્રો ચોક્કસ વાઈબ્રેશનના આધારે નક્કી થતા હોય છે અને એ જગ્યાની સાધકોની સાધનાની અસર પણ થતી હોય છે. જેથી બીજે ખસેડી શકાય નહીં. કંપની તો અન્ય જગ્યાએ પણ સ્થાપી શકાય. આમ, ભારતની ધ્યાનની અમૂલ્ય ઘરોહર સમી જગ્યાના જતનનું ખ્યાલ રાખીને કંપનીને મંજૂરી ન આપવા ઘટીત કાર્યવાહી કરવામાં આવે.

લોકો કહે છે કે, દુનિયામાં લુપ્ત થતી કાચબાની પ્રજાતિ, ગ્રીન ટર્ટલ જેને સ્થાનિકે ઢાલ કચ્છી કહે છે. જે દર વર્ષે અહીંયા ઈંડા મુકવા આવે છે. હાલના વર્ષોમાં પણ અનેક ઈંડા મુકવા આવેલા હતા. આમ, આવી દુર્લભ પ્રજાતિને બચાવવા યોગ્ય પગલા લઈ કંપનીને મંજૂરી ના આપવા વિનંતી છે.આ ઉપરાંત માંડવી, લાયજા, બાડા, શીરવા, વિગેરે ગામોમાં હાઈસ્કૂલ્સ આવેલી છે. સારા દવાખાના અને પ્રસુતિગૃહો જે મહાજનો દ્વારા ચલાવવામાં આવે છે. એટલે કંપની દ્વારા આવી લાલચો આપવામાં આવે તે બિનજરૂરી છે.

કંપની ગામના રોજગાર, પર્યાવરણ, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોને અસર કરશે

બાડા ગામના સ્થાનિકે નાના લાયજા, બાડા વગેરે ગામોમાં માછીમારી પર નભતા પરિવારો પણ મોટી સંખ્યા મોટા પ્રમાણમાં છે. જેને આ કંપની આવવાની લીધે માછીમારી વ્યવસાયને વ્યાપક અસર થશે અને રોજગારી પણ છીનવાઈ જશે. આ સૂચિત કંપની ગામના રોજગાર, પર્યાવરણ, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોને અસર કરશે અને આવી કંપની તો ગમે ત્યાં સ્થાપપી શકાશે પણ ગામલોકોના જીવન અને ભાવનાઓ સાથે સંકળાયેલી બાબતો અન્ય સ્થળાંતરિત નહીં થઈ શકે.

કંપની સામેના કોઈપણ પૂર્વગ્રહ વગરના વિરોધને ધ્યાનમાં લેવા અપીલ

ગામલોકોએ આવેદનપત્ર આપતા આ તમામ મુદ્દાઓ અંગે રજૂઆતો કરીને માનવીય અને ગંભીર રીતે વિચારીને આ કંપની સામેના કોઈપણ પૂર્વગ્રહ વગરના વિરોધને ધ્યાનમાં લઈ આ કંપનીને બાડા ગામના વિસ્તારમાં મંજૂરી ન અપાય તે માટે યોગ્ય પગલા ભરવા તેમજ ગામલોકોની લાગણીઓને યોગ્ય સ્થાને પહોંચાડવા અપીલ કરી હતી. આ વિરોધ પ્રદર્શન અને પ્રતીકાત્મક રેલીમાં આયોજક વિજય કે ગઢવી, લક્ષ્મણ કે ગઢવી, વિજયસિંહ પઢિયાર, આદમભાઈ મારા, જૈન મહાજન બાડા, એડવોકેટ ધવલ ગઢવી તેમજ બાડા જીએચસીએલ લડત સમિતિ સતત કંપનીનો વિરોધ નોંધાવી રહ્યા છે.

  1. માત્ર 22 સવાલોથી જાણો તમારી પ્રકૃતિ: વાત, પિત્ત, કફ શું છે તમારી વૃત્તિ, જાણો આ જરૂરી વિગતો
  2. શિયાળામાં ગુણકારી લીલા શાકભાજીનો રસ ખાસ પીવો, જાણો તેના ફાયદા અને પીવાનો ચોક્કસ સમય

ABOUT THE AUTHOR

...view details