હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે ગત 27મી ઓક્ટોબરના રોજ તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાંથી માતાજીના આભૂષણોની ચોરી કરી હતી. જોકે બુધવારે પોલીસે મંદિરમાં ચોરીની ઘટનામાં 78 લાખના સોનાના હાર તથા બે મુગુટ સાથે તસ્કરોની પકડી લીધા હતા. મંદિરમાં ચોરીની ઘટના બાદ ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિથી શુદ્ધિ કરણ કરવામાં આવશે. આ માટે આવતીકાલે 8 નવેમ્બરે સાંજથી મંદિર બીજા દિવસ સવાર સુધી બંધ રહેશે.
મંદિર આવતીકાલે સાંજથી બંધ રહેશે
શક્તિપીઠ પાવાગઢ ખાતે કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં ચોરી થતા માતાજીની પાદુકા, ત્રિશૂળ સહિત પૂજાની સામગ્રીનું શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ શુદ્ધિકરણ કરવાની કામગીરી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. જેથી શુક્રવારે 8 નવેમ્બરના દિવસે નિજ મંદિરના દ્વાર સાંજે 4 વાગ્યા પછી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવશે. જે પુનઃ બીજા દિવસે એટલે કે 9 નવેમ્બરના સવારે 6:00 વાગ્યા પછી ખોલવામાં આવશે.