પાટણ : ભગવાન શ્રીરામ આજે ગર્ભગૃહમાં પ્રવેશ કરવાના હોય આ રુડા અવસરને માણવા માટે પાટણમાં સવારથી જ લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે. શહેરના માર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી રહ્યા છે. પાટણના તમામ વ્યાપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યા છે. પાટણમાં સમગ્ર વાતાવરણ રામમય બન્યું છે.
" રામ કાજ કરીબે કો આતુર ": અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રને આજે વિધિવત રીતે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવી મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવનાર હોય સમગ્ર દેશવાસીઓમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રૂડા અવસરને માણવા માટે પાટણમાં સવારથી જ રામ ભક્તો વિવિધ રામ કાર્યોમાં વ્યસ્ત બન્યા છે. વિવિધ મંદિરોમાં રામધૂન તો મહોલ્લા, પોળો અને જાહેર માર્ગ ઉપર રામના ભજન સુંદર કાંડ હનુમાન ચાલીસાના સૂર વાગી રહ્યા છે.
પાટણ જાણે કેસરિયા રંગે રંગાયું : તો પાટણના તમામ વ્યાપારીઓએ આજે પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ રીતે બંધ રાખી આ ઐતિહાસિક અવસરને માણવામાં સહભાગી થયા છે. તમામ બજારો સવારથી જ બંધ હોય એક અલગ માહોલ જોવા મળી રહ્યો છે. દરેક દુકાનો તેમજ વાહનો પર કેસરી ધજાઓ લહેરાતા પાટણ જાણે કેસરિયા રંગે રંગાયુ હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પાટણ નગરવાસીઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.
શાક માર્કેટના વેપારીઓએ રામયાત્રા યોજી : પાટણની અંબિકા શાકમાર્કેટના વેપારીઓએ આજે શાકમાર્કેટ બંધ રાખી માર્કેટ ખાતેથી ભવ્ય રામયાત્રાનું આયોજન કર્યું હતું. જે શહેરના વિવિધ માર્ગો ઉપર થઈ માર્કેટ ખાતે પરત ફરી હતી શાક માર્કેટમાં મિરાજમાન નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે વેપારીઓએ હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કર્યા હતાં. શહેરના વિવિધ રામ મંદિરોમાં રામધૂન મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતાં.
- Ram Naam Mahayagna : 3.5 કરોડ રામનામ લેખન ગ્રંથ પ્રભુ રામને અર્પણ, પ્રભાસનો ત્રિવેણી ઘાટ રામમય બન્યો
- Navsari News: પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત પારસીઓના આતશ બહેરામમાં વિશેષ ઉજવણી