સુરતઃશહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કફોડી થવા લાગી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. જે શહેરમાં પોતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી રહેતા હોય એ જ શહેરમાં છેલ્લા 15 દિવસમાં 10 હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. એક બાદ એક હત્યાના બનાવ થઈ રહ્યા છે અને સૌથી અગત્યની વાત કે છેલ્લા બે મહિનાથી સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર પર ચાલી રહ્યુ છે. સુરતમાં પોલીસ કમિશનર નિયુક્ત કરાયા નથી. ધોળા દિવસે આશરે બપોરના અઢી વાગે સિલ્વર કલરની સ્કોર્પિયો કારમાં બેસીને 37 વર્ષીય ભજન સિંહ પોતાની બેનને મળવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તેની પાછળથી બોલેરો પીકઅપ વાને ટક્કર મારી હતી અને સ્કોર્પિયો કારને રોકી તેની અંદરથી નીકળી રહેલા ભજન સિંહ પર અચાનક જ હુમલો કર્યો હતો.
યુવકની સરાજાહેર ક્રૂર હત્યાઃ પીકઅપ વાનમાં આવનાર ત્રણ લોકોએ ભજન સિંહના સૌથી પહેલા તલવારથી હાથ કાપી નાખ્યા હતા. તેની આંગળીઓ પણ કાપી નાખી હતી. ત્રણે હુમલાખોરોએ એક બાદ એક તલવાર થકી ભજનલાલ હુમલો કર્યો હતો, પ્રતિકાર કરતા એક હુમલાખોર ઈજાગ્રસ્ત પણ થયો છે. હત્યા બાદ હુમલાખોરો નાસી ગયા હતા. આ હુમલામાં મૃત્યુ પામનાર 37 વર્ષીય ભજન ભેસ્તાન વિસ્તારમાં રહે છે અને સેન્ટિંગના ધંધા સાથે સંકળાયેલો હતો અને પોતાની માતા તેમજ પત્ની અને બે દીકરી અને એક દીકરા સાથે રહેતો હતો.