ગાંધીનગરઃ રાજકોટ ગેમ ઝોન ફાયર એક્સિડન્ટને લીધે સમગ્ર ગુજરાત હચમચી ગયું છે. હજૂ પણ ગુજરાત રાજ્યના લોકોને કળ વળી નથી. આ દુર્ઘટનાની કરુણતાને ધ્યાને લઈ ગુજરાત ભાજપે મત ગણતરીના દિવસે સંયમથી વર્તવાનો નિર્ણય કર્યો છે. ભાજપ જીતની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરશે.
વર્ચ્યૂઅલ બેઠકમાં નિર્ણયઃ4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો આવશે. જે સંદર્ભે રાજકોટ બાદ હવે સમગ્ર ગુજરાતમાં ભાજપ વિજયોત્સવ નહીં મનાવે તેવો નિર્ણય લેવાયો છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈ દ્વારા આજે વર્ચ્યૂઅલ બેઠકમાં આ નિર્ણય જાહેર કરાયો હતો. આ બેઠકમાં મતગણતરી અંગે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. જે સંદર્ભે પ્રદેશ ભાજપે આજે એક યાદી જાહેર કરી છે. જેમાં આ અંગે વિગતો જાહેર કરવામાં આવી હતી.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) સાદગીપૂર્ણ ઉજવણીઃ રાજકોટમાં બનેલી દુઃખદ ઘટનાના પગલે મતગણતરીના દિવસે વિજયને સંયમતાથી અત્યંત સાદગીથી વધાવવા જણાવ્યું છે. જાહેર કરેલ યાદી મુજબ મતગણતરીના દિવસે જીત બાદ સમગ્ર ગુજરાતમાં ભાજપના કાર્યક્રરો મતગણતરી સ્થળ બહાર કે કાર્યાલય ખાતે તેમજ અન્ય જાહેર સ્થળે ફટાકડા ફોડશે નહી. તેમજ પરિણામ બાદ મીઠાઈની વ્યવસ્થા રાખશે નહીં અને એકબીજાને મીઠાઈ ખવડાવશે નહીં. આ ઉપરાંત ફૂલની પાંદડી અને ગુલાલ ઉડાવીને પણ અભિવાદન કરશે નહી. વિજય બાદ સન્માન સમારોહ પણ ટાળવા માટે પ્રદેશ ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ભારત માતાની જય સૂત્રોચ્ચાર કરી શકાશેઃ ગુજરાત ભાજપે વિજેતા બનનારા ઉમેદવારે ખુલ્લી જીપ કે વાહનમાં વિજય સરઘસ કે રેલી નહીં કાઢવા અને સાઉન્ડ સીસ્ટમ તથા સંગીત પણ નહી રાખવા માટે સૂચનો આપ્યા છે. વિજેતા ઉમેદવારો માત્ર પાર્ટીના ઝંડા-ટોપી ખેસ સાથે ભારત માતાના સુત્રોચ્ચાર કરી ઉજવણી કરી શકશે તેવું જણાવવામાં આવ્યું છે. આ તમામ સૂચનો બુથ સુધીના તમામ કાર્યકર્તાઓ અને સંગઠન તેમજ ચૂંટાયેલા તમામ લોકપ્રતિનિધિ આગેવાનોને પહોંચાડવા માટે પ્રદેશ મહામંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.
- દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકોએ ગરમી વધારી : સુરતથી ભાજપે ખાતું ખોલ્યું, બાકી ચારમાં રાજકીય ચકમક - Lok Sabha Election 2024 Result
- કોનું પલડું ભારે : ભાવનગર લોકસભા બેઠક પર ભાજપની વિજયગાથા યથાવત રહેશે કે AAP ને મળશે મોકો ? - Lok Sabha Election 2024 Result