બનાસકાંઠા: પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવારની ડીસા હાઇવે પર રાજસ્થાનના મુખ્યમંત્રી સહિત પ્રદેશ અને જિલ્લા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સભા અને પાલનપુર કલેકટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઇ હતી. જે બાદ ભાજપના મહિલા ઉમેદવાર ડો. રેખાબેન હિતેશભાઈ ચૌધરીએ પોતાનું નામાંકન પત્ર રજૂ કરી જિલ્લામાં તેમને મળી રહેલ પ્રચંડ જનસમર્થનને લઇ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા: પાલનપુરના ડીસા હાઇવે પર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપની ભવ્ય વિજય સંકલ્પ સભા યોજાઈ હતી. સભામાં બનાસકાંઠાના તમામ જ્ઞાતિઓના મતદારો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સભામાં ભાજપના સ્ટાર પ્રચારક અને ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા બેઠક પર ભાજપના કમળ રૂપી ડો.રેખાબેન ચૌધરીને જંગી લીડથી જીતાડવા આહ્વાન કર્યું હતું તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ ભાજપને મળી રહેલ પ્રચંડ જનસમર્થનને લઇ ગુજરાતની તમામ 26 અને રાજસ્થાનની તમામ 25 બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ સભામાં પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરી, સાંસદ પરબતભાઇ પટેલ, માજી. રાજ્યસભાના સાંસદ, ધારાસભ્યો,જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો કાર્યકરો અને વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. સભા પૂર્ણ થયા બાદ વિજય સંકલ્પ સભા યોજાઈ હતી. જે રેલી એરોમા સર્કલ નજીક આવી પહોંચતા સમર્થકો દ્વારા જેસીબીમાંથી ફૂલોની વર્ષા કરી રેખાબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલી કલેકટર કચેરી પહોંચી હતી જ્યાં ડો.રેખાબેન ચૌધરીએ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી શ્રી વરુણ કુમાર બરનવાલ સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.