ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓઢવ ડિમોલિશન: 'ભગવાન પણ તમને માફ નહીં કરે', રબારી વસાહતની મુલાકાત બાદ શક્તિસિંહ શું બોલ્યા? - ODHAV DEMOLITION NEWS

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહતમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઓઢવમાં ડિમોલિશનની કામગીરી
ઓઢવમાં ડિમોલિશનની કામગીરી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2025, 10:45 PM IST

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહતમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી બેઘર બનેલા માલધારી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે આજે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ વિસ્તારની મુલાકાત લીધી હતી અને નોટિસ આપ્યા વગર બુલડોઝરથી ડિમોલિશનની કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે કોંગ્રેસના આરોપો પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પ્રતિક્રિયા આપી હતી. પરંતુ રિયાલિટી એ છે કે AMC પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ઓઢવ વિસ્તારમાં કોર્પોરેશનની માલિકી પ્લોટ માં ઉભા થઈ ગયેલા દબાણો હટાવવા માટે મેગા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ઓઢવમાં ડિમોલિશનની કામગીરી (ETV Bharat Gujarat)

40 રહેણાંક મકાનો અને કોમર્શિયલ બાંધકામ દૂર કરાયું
હકીકતમાં અમદાવાદના ઓઢવની રબારી વસાહત સહિત અનેક સ્થાને તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે 40 રહેણાંક મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામું દૂર કરીને 1833 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી. જે બાદથી માલધારી સમાજના લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ આજે ઓઢવ વિસ્તારમાં ડિમોલિશન થયું તે સ્થળની મુલાકાત લીધી હતી.

ડિમોલિશન બાદ સ્થાનિકોને મળ્યા શક્તિસિંહ ગોહિલ
આ બાદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, રબારી વસાહત તોડી પાડવામાં આવી ત્યાં પહોંચ્યા હતા. અને ત્યાંના લોકો સાથે વાત કરી હતી. લોકોએ પોતાની વેદના પણ ઠાલવી હતી અને તેમની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, "ભાજપને આ બધું કરવા આટલા વર્ષો સુધી જનતાએ મત નથી આપ્યા. કોઈને પણ સરખી નોટિસ આપ્યા વગર જ બુલડોઝર લઈને પહોંચી ગયા. વર્ષોથી રહેતા લોકોના ઘર તમે તોડી નાખો છો. હજુ પણ ત્યાં તૂટેલા ઘરના કાટમાળમાં કોઈની સાડી તો કોઈનો દુપટ્ટો, વાસણ પડ્યા છે. આ બધું બધાએ કેવી રીતે ભેગું કર્યું હશે તે તમને ખબર છે. અરે કંઈ નહીં તો ભગવાનના ફોટા હતા એ તો હટાવી લેવા હતા."

ઓઢવમાં ડિમોલિશનની કામગીરી (ETV Bharat Gujarat)

ડિમોલિશનની કામગીરી પર AMCએ શું કહ્યું?
કોંગ્રેસના આરોપો પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને હંમેશા બેદારી નીતિ રહેલી હોય છે. ડિમોલિશન જન હિત માટે કરવામાં આવતું હોય છે. ઓઢવની અંદર છેલ્લા કેટલાક સમયથી પ્રશ્ન ચાલે છે. લગભગ 2015થી ઓઢવ રબારી વસાવતની અંદર નોટિસો આપવામાં આવી છે. ત્યાં આગળ 310 લોકોને વસાવવામાં આવ્યા હતા. એ લોકોને 295 ચોરસ મીટરના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. એમાં 41 ચોરસ મીટરનું ખાલી બાંધકામ કરવાનું હતું. બાકીનો જે વાડો હતો એ ખુલ્લો રાખવાનો હતો. પરંતુ ધીમે ધીમે ઘણા વર્ષોથી આ ખુલ્લા કરેલા વાડાની અંદર આ લોકો સતત બાંધકામ કરતાં ગયા અને એનું ડિમાર્કેશન 2018 અને 2019 માં પણ કરવામાં આવ્યું હતું અને આવા નવા નવા લોકોને નોટિસો આપવામાં આવી. જન હિતના ત્યાંના લોકોને પણ રજૂઆત આવતી હતી. અને ખુલ્લા પ્લોટમાં આ લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યા હતા. આના પરિણામે કોર્પોરેશન દ્વારા નોટિસો આપ્યા પછી તે દબાણો દૂર ન થતાં તે દબાણને હાલમાં દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે. આમાં કોઈ પણ જાતની કોઈપણ સમાજ પ્રત્યે રાજકીય કિન્નાખોરી હોતી નથી. આ જન હિતના માટે લેવાયલા નિર્ણયો છે.

આ પણ વાંચો:

  1. દ્વારકામાં ડિમોલિશન બાદ 1 લાખ સ્કેવર મીટરથી વધુની જમીન ખાલી થઈ, 525 બાંધકામ તોડી પડાયા
  2. જુહાપુરા ડિમોલિશન: કચરો તાત્કાલિક ધોરણે ઉપાડી, સર્વિસ રોડ બનાવવા AIMIMના કોર્પોરેટરે કરી માગ

ABOUT THE AUTHOR

...view details