જૂનાગઢ:ચોમાસાની વિદાય બાદ નવી મગફળીની આવક માર્કેટમાં ધીમે ધીમે થઈ રહી છે. જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પણ મગફળીની આવક ધીમે પગલે થઈ રહી છે. નવરાત્રીના સમયમાં ચોમાસા દરમિયાન પાકેલી મગફળી હરાજી માટે આવતી હોય છે. ત્યારે શરૂઆતના દિવસોમાં માત્ર જાડી મગફળી હરાજી માટે આવી રહી છે જેના બજારભાવો સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા નીચા જોવા મળે છે.
જૂનાગઢ એપીએમસીમાં મગફળીની આવક:જુનાગઢ એપીએમસીમાં ચોમાસામાં પાકેલી મગફળીની ધીમા પગલે આવક થઈ રહી છે. સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન ખેડૂતો દ્વારા ઓરવેલી મગફળી જાહેર હરાજી માટે આવતી હોય છે. તેને પગલે જાડી મગફળીની આવક જોવા મળતી હોય છે. તે મુજબ જાડી મગફળીની આવક પાછલા એક અઠવાડિયાથી નોંધાઈ રહી છે. સૌરાષ્ટ્રની પરંપરાગત જીણી મગફળીની આવક હજુ સુધી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ નથી. ગઈકાલે જુનાગઢ એપીએમસીમાં 885 ક્વિન્ટલ જાડી મગફળીની આવક થઈ છે. જેમાં પ્રતિ 20 કિલો સૌથી નીચા 800 રૂપિયા ઊંચા 1200 રૂપિયા મળીને સરેરાશ 1020 રૂપિયા એક મણ મગફળીના બોલાયા હતા.