Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) નવસારીઃ ભારતમાં કુદરતને રીઝવવાની દરેક ધર્મની અનોખી પરંપરા સૈકાઓથી ચાલી આવે છે . નવસારીના પારસી સમાજમાં પણ પવિત્ર બહેમન મહિનાના રોઝ દિન ની ઉજવણી આનંદ-ઉલ્લાસ ભેર કરવામાં આવે છે. વરસાદને રીઝવવાની અનોખી પરંપરાની ઉજવણી પારસી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.
વરસાદને રીઝવવાની પરંપરાઃ પારસી ધર્મમાં બહેમન મહિનો પવિત્ર ગણાય છે . આ માસમાં પારસીઓ માત્ર શાકાહારી ભોજન કરે છે . આ માસમાં પારસીઓ પોતાના પૂર્વજોની પૂજા કરે છે. બહેમન માસમાં રોઝ દિન સૌથી પવિત્ર દિન કહેવાય છે. આ દિવસે પારસી સમાજના યુવાનો વરસાદને રીઝવવા અનોખી પરંપરાની ઉજવણી કરે છે.
ખીચડીનું સામુહિક ભોજનઃ નવસારીમાં વસતા પારસી સમાજે વર્ષ 1959માં આવેલ દુકાળમાં વરસાદને રીઝવવા આ પરંપરાની શરુઆત કરી હતી. જેમાં ઘી-ખીચડીના સામુહિક ભોજનનું આયોજન કરવામાં આવે છે. પારસી સમાજના યુવાનો પારસીઓ ઘરે ઘરે ફરી દાળ, ચોખા, ઘી, અને તેલનું ઉઘરાણું કરે છે. તેથી આ દિવસને ઘી-ખીચડીના દિવસ તરીકે પણ ઓળખાય છે . વરસાદને રીઝવવા માટે પારસી લોકગીત "ઘી ખીચડીનો પૈસો દોઢિયાનો રૂપિયો વરસાદજીતો આયેગા"નું ગીત પણ ગાવામાં આવે છે.
જગત કલ્યાણની ભાવનાઃ પારસી અગ્રણી બોમી જાગીરદાર જણાવે છે કે, બહેમન માસ એ પારસી સમાજનો ખૂબ પવિત્ર મહિનો છે. સમગ્ર મહિના દરમિયાન પારસી સમાજ નોનવેજનો ત્યાગ કરી પવિત્રતા જાળવે છે. આ મહિના દરમિયાન પારસી પરંપરા પ્રમાણે સૌ યુવાનો ભેગા થઈ ગીત ગાય ખીચડી બનાવવા માટેનો સામાન પારસી મોહલ્લામાંથી ઉઘરાવે છે. સામુહિક ભોજન કરી પોતાના પૂર્વજોને યાદ કરી જગત કલ્યાણ માટેની અને સારા વરસાદ માટેની પ્રાર્થનાઓ કરે છે.
- Navsari News: વરસાદને રીઝવવા પારસી સમાજની અનોખી પ્રથા
- પારસી સમુદાયએ નવા વર્ષની ઉજવણી કરી કંઇક આવી રીતે