નર્મદા:છોટાઉદેપુર, નર્મદા તેમજ અન્ય જિલ્લાઓમાં 400 કરતા વધુ વિદ્યાર્થીઓ પાસેથી નર્સિંગ કોર્સના નામે લાખો રૂપિયાની ફી ઉઘરાવી લીધાની માહિતી મળી છે. પરંતુ અહીં ફી ઉઘરાવી લીધા બાદ પણ પરીક્ષા લેવામાં આવી ન હતી. ઉપરાંત યોગ્ય પરીક્ષા પદ્ધતિ અને સર્ટિફિકેશનની વિદ્યાર્થીઓની માંગ સામે સંચાલક દ્વારા ઉદ્ધત વર્તન આચરવામાં આવ્યું હતું. સાથે સાથે તેમના ઓરીજીનલ ડોક્યુમેન્ટ પરત નહીં કરી કનડગતનો મુદ્દે વિવાદ થયો હતો. અંતે તમામ વિદ્યાર્થીઓએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આવી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ કરી છે.
શું છે સંપૂર્ણ મામલો:રાજપીપળા પોલીસ મથકમાં મા કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક ડૉ. અનિલ કેસર ગોહિલ વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ, ડૉ. અનિલ કેસર ગોહિલ મા કામલ ફાઉન્ડેશનના નામે બુક્લેટ, પેમ્ફલેટ છપાવી તેમાં લોભામણી જાહેરાતો આપી હતી. જે થકી વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ વર્ષની ફી પેટે 1,74,200 તથા 6,500 રૂપિયા લીધા હતા. ફી લીધા છતાં પણ કોર્ષ પુર્ણ કર્યો ન હતો અને સાથે સાથે પરીક્ષા પણ અપાવી ન હતી. ઉપરાંત વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સર્ટિફિકેટ, માર્કશીટ ન આપી છેતરપિંડી કરી હતી. આ સંપૂર્ણ બાબતે ફરિયાદ મળ્યા બાદ નર્મદા જિલ્લાના એસપી પ્રશાંત દ્વારા SIT ની રચના કરાઈ હતી. SITની તપાસ બાદ આખરે રાજપીપળા પોલીસે ડૉ. અનિલ કેસર ગોહિલ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જોકે વિદ્યાર્થીઓને ફી અને ઓરીજીનલ ડોક્યુમેન્ટ પરત ક્યારે મળશે એ જોવું રહ્યું.
અહીં નોંધનીય બાબત એ છે કે, આવી કેટલીય સંસ્થાઓ ગુજરાતમાં છે જેઓ લોભામણી વાતો કરી લાખો રૂપિયા લઈ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરતી હોય છે. જેના અનેક કિસ્સાઓ અવારનવાર બહાર આવતા હોય છે. નર્મદાના રાજપીપલામાં પણ એવો જ કિસ્સો જોવા મળ્યો છે. જોકે વિધાર્થીઓ સાથે છેતરપિંડી કરતા આખો ભાંડો ફૂટ્યો છે અને તેના સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત આ મામલે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.