અમદાવાદ: અમદાવાદના જુહાપુરા ગાંધી હોલ ખાતે માઈનોરીટી કોર્ડીનેશન કમિટી (MCC) દ્વારા મુસ્લિમ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા અને મુસ્લિમ મુદ્દાઓ પર વાત કરી હતી.
હેરિટેજને જાળવવા ડિજિટલાઈઝેશન કરાશે: આ અંગે માઈનોરીટી કોર્ડીનેશન કમિટી ગુજરાતના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું હતું કે,'અમે અમદાવાદમાં મુસ્લિમ મુદ્દાઓ અને એમની સમસ્યાઓ પર મહા સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં અમે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો કે જેમાં લોકો આપણી હેરિટેજ મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાનોને જાળવવા માટે ડિજિટલાઈઝેશન કરીશું. દરેક જિલ્લામાં મુસ્લિમોની સમસ્યા અંગે એક સંકલન સમિતિની રચના કરવામાં આવશે, આ સાથે એમસીસી દ્વારા ગુજરાતમાં લઘુમતીઓ પર થતા હુમલાઓની એક રિપોર્ટ રજૂ કરવામાં આવી હતી.'
દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ: આ પ્રસંગે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, 'હાલમાં મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમે બંધારણને બચાવવાની વાત કરીએ છીએ અને જે લોકો દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે એને ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સાહેબે રોકવું જોઈએ. અને આ અંગે અમે એમને મળવા પણ જઈશું.'