ગાંધીનગર: દીકરી એટલે વહાલનો દરિયો. દેશની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી પોતાનું અને દેશનું નામ રોશન કરી રહી છે. ત્યારે સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા તથા સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવા માટે વર્ષ ૨૦૧૯થી ગુજરાતમાં ‘વ્હાલી દીકરી યોજના’ અમલી બનાવાઈ છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2.78 લાખથી વધુ દીકરીઓની 3 હજાર કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ વખત રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ જેવા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતા કાર્યક્રમ શરૂ કર્યા હતા. જેને વર્તમાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયા સુપેરે આગળ ધપાવી રહ્યાં છે.
વર્ષ 2019થી કાર્યરત વ્હાલી દીકરી યોજના અંતર્ગત વર્ષ 2019-20માં 12,622 દીકરીઓ, 2020-21માં 32,042 દીકરીઓ, 2021-22માં69,903 2022-23માં 55,433 વર્ષ 2023-24માં 67,012 તથા વર્ષ 2024-25માં 41,649 દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. જે હેઠળ અત્યાર સુધીમાં 3 હજાર કરોડથી વધુની સહાયની મંજૂરી આપવામાં આવી છે.