મોરબી :હવે તો ગેસ ટેન્કરમાંથી પણ ગેસ કટિંગ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. ટેન્કર ચાલક સાથે મેળાપીપણું કરી અન્ય બે શખ્સોએ માણસની જિંદગી જોખમમાં મુકાય તેવું કૃત્ય કર્યું છે. ગેસ ટેન્કરમાંથી પ્રોપેન ગેસ કાઢતા હોવાની બાતમીને આધારે પોલીસે સ્થળ પર રેડ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેડ દરમિયાન આરોપીઓ નાસી જતાં પોલીસે વધુ તપાસ ચલાવી છે.
ગેસ કટિંગનું કૌભાંડ :મોરબી તાલુકા પોલીસમાં ગેસ ટેન્કરના ચાલક, સેતાનકુમાર સુર્જનરામ બાંગડવા અને માધવ મીની ઓઈલ મિલના કબ્જો ભોગવટો ધરાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ગામની સીમમાં આવેલી સુખસાગર હોટેલના કમ્પાઉન્ડમાં ગેસ ટેન્કરમાંથી પાઇપ દ્વારા શંકાસ્પદ રીતે ચોરી કરતા હોવાની બાતમી મળી હતી. પોલીસ ટીમે સ્થળ પર રેડ કરી, જ્યાં સ્થળ પરથી ટેન્કર મળી આવ્યું હતું.
ખુલ્લેઆમ થતી હતી ચોરી :આ ટેન્કર પાછળના ભાગે વાલ્વ બોક્સમાં 3 વાલ્વ આવેલા હોય, જેમાં એક વાલ્વમાં પાઈપ લગાવેલ જોવા મળી હતી. જેના વડે ચોરી કરવામાં આવતી હતી. ટેન્કરનો વાલ્વ ખૂલ્લો હોય અને પાઈપ મારફતે બે ગેસના સીલીન્ડરમાં ગેસ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી. જેથી પાઈપના વાલ્વ બંધ કરી ટેન્કર સાથે પાઈપ બંને તરફથી છોડાવી જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવી હતી.
50 નંગ સિલિન્ડર મળ્યા :સ્થળ પર અલગ અલગ કંપનીના નાના મોટા ગેસ સિલિન્ડર જોવા મળ્યા હતા. જેમાં 11 મોટા સિલિન્ડર ભરેલા અને નાના સિલિન્ડર નંગ 12 મળી આવ્યા હતા. સાથે જ 27 ખાલી સિલિન્ડર સહિત કિંમત રુ. 1 લાખના કુલ 50 નંગ સિલિન્ડર મળી આવ્યા હતા. જેમાં પાઈપ, વજન કાંટો, બાઈક અને ગેસ ટેન્કર પ્રોપેન ગેસ સહિત મળીને કુલ રૂ 26.57 લાખની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે.
- ઇન્ડેન ગેસના ટેન્કરમાંથી ઝડપાઈ 10 હજાર વિદેશી દારૂની બોટલો
- સુરતમાં ગેસ રીપેરીંગની આડમાં વેપારી કરતો ગેરકાયદે ગેસ રિફિલિંગ