મોરબી: વેકેશનમાં શૈક્ષણિક કાર્ય બદલ મોરબીની પાંચ શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. દિવાળી પર્વ નિમિત્તે વેકેશન જાહેર કરવામાં આવ્યું હોવા છતાં કેટલીક શાળાઓએ શૈક્ષણિક કાર્ય શરુ કરી દીધું હતું. ત્યારબાદ સ્કૂલ બસના વાયરલ વીડિયો પછી તપાસ કરવામાં આવતા પાંચ શાળાઓ ખુલ્લી હોવાની માહિતી મળી આવી હતી જે બાદ આ પાંચ શાળાને નોટિસ આપવામાં આવી છે.
વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરી:દિવાળી વેકેશન દરમિયાન ખાનગી સ્કૂલની બસો શહેરમાં દોડતી અને બસમાં વિદ્યાર્થીઓને લાવવા મૂકવાની કામગીરી કરાતી હોવાના વીડિયો વાયરલ થયા હતા. જેને પગલે માધ્યમોએ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. જેથી શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાંથી સફાળું જાગ્યું હતું અને વાયરલ વીડિયોને પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા AEI ને તપાસ માટે આદેશ આપવામાં આવ્યા હતા. જે બાદ ટીમોએ વાયરલ વીડિયોમાં જે શાળાની બસો જોવા મળી હતી તે શાળાઓની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન પાંચ સ્કૂલ ખુલ્લી હતી અને શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હોવાની વિગતો મળતા આ બાબતને ધ્યાને લઈ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.