પાટણ:પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ પાર્ટી મુદ્દે કાર્યવાહી કરવાની માંગણી સાથે MLA ડૉ. કિરીટ પટેલ તથા NSUIના કાર્યકરો વી.સીની ચેમ્બરમાં જ ભૂખ હડતાળ પર બેઠા હતા. દરમિયાન પાટણ યુનિવર્સિટી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUIના કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.
પાટણની યુનિવર્સિટીમાં હોબાળો (ETV Bharat Gujarat) હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં હોબાળો
પાટણ યુનિવર્સિટીમાં બાસ્કેટ બોલના ખેલાડીએ બોય્ઝ હોસ્ટેલમાં દારૂની પાર્ટી કરતા વિવાદ સર્જાયો હતો. આરોપ છે કે ખેલાડીએ દારૂ પીને યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલના રેક્ટર પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આરોપી ખેલાડીને પોલીસ સ્ટેશને લઈ ગયા બાદ કોઈ જ કાર્યવાહી વગર તરત છોડી મૂકાતા વિવાદ સર્જાયો છે. NSUI દ્વારા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર દારૂ પીધેલા આ ખેલાડી સામે FIR દાખલ કરાવે તેવી લેખિત રજૂઆત છતાં પોલીસ દ્વારા કોઈ જ પગલાં નહીં આંદોલન શરૂ કરાયું હતું.
વી.સીની ચેમ્બરમાં જ ધારાસભ્યની ભૂખ હડતાળ
એવામાં યુનિવર્સિટી દ્વારા દારૂ પીધેલા ખેલાડી સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવે તેવી માંગણીને લઈને ધારાસભ્ય કિરીટ પટેલે વી.સીની ચેમ્બરમાં જ ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. દરમિયાન ડેપ્યુટી રજીસ્ટ્રાર અને ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તો NSUIના કાર્યકરે પોલીસ કર્મીને તમાચો મારી દીધાનો પણ આરોપ લાગ્યો હતો. જેની સામે NSUI કાર્યકરના પગ પર મારવાનો આરોપ કરાયો હતો.
ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઇ દેસાઈ, NSUIના પ્રદેશ પૂર્વ પ્રમુખ મહિપાલ ગઢવી સહિત આગેવાનો અને કાર્યકરો વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના વહીવટી ભવનના પ્રાંગણમાં ધરણા કરાયા હતા. જોકે પોલીસ દ્વારા કાર્યકરોને અંદર જતા રોકવામાં આવતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ હતી. ધરણા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ કુલપતિ અને રજીસ્ટ્રાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને ઉદ્દેશીને લખાયેલ પત્ર ધારાસભ્યને બતાવતા મામલો સમેટાયો હતો.
આ પણ વાંચો:
- અમદાવાદની યુવતીનો પોલીસની ત્વરિત કામગીરીથી જીવ બચ્યોઃ પરિવારે માન્યો આભાર
- ભુવા સીરીયલ કિલિંગ કેસ: વાંકાનેરમાં યુવતીના લગ્નના દબાણને કારણે હત્યા કરી લાશ દાટી દીધાનો ખુલાસો