વડોદરા :રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કર્યા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે આગામી 24 કલાકમાં પરિસ્થિતિ કાબૂમાં આવશે તેવો વિશ્વાસ દર્શાવતા ફરીથી આ પ્રકારની સ્થિતીનું નિર્માણ ન થાય તે માટે એક્શન પ્લાન ઉપર કામ કરવા અંગે જણાવ્યું હતું.
પૂરની સ્થિતિ વચ્ચે વડોદરાની મુલાકાતે ઋષિકેશ પટેલ (ETV Bharat Gujarat) ટ્રકની ઉપર બેઠા ઋષિકેશ પટેલ :રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજકીય આગેવાનો ટ્રકના બોનેટ ઉપર બેસીને શહેરની પરિસ્થિતિ નિહાળવા માટે નીકળ્યા હતા. પરંતુ મહત્વની વાત છે કે, કેટલાક વિસ્તારોમાં આજે પણ પાણી લાઈટ અને ભોજન પણ પૂરતા પ્રમાણમાં મળી રહ્યા નથી. સ્થાનિક લોકોમાં ચાલતી ચર્ચા મુજબ માત્ર બોનેટ ઉપર બેસીને શહેરની પરિસ્થિતિ નિહાળવાથી નિરાકરણ આવવાનું નથી. તાત્કાલિક પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વિશ્વામિત્રીની ચિંતાજનક સ્થિતિ :ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ છે. છેલ્લા 2 દિવસમાં વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પાણીનો ફ્લો ખૂબ જ વધી જવાના કારણે સ્થિતિ બેકાબૂ બની છે. વિશ્વામિત્રી નદી વડોદરાની મધ્યમાંથી સર્પાકાર અને ગોળાકાર વળાંક લઈને નીકળે છે. આ નદીની બંને બાજુ જે પરિસ્થિતિ ઉદ્ભવે છે, તે ચિંતાજનક છે. આ વિસ્તારોમાં બંને બાજુ 10-12 ફૂટ સુધીના પાણી ભરાયા છે.
ટ્રકની ઉપર બેસી કર્યું સ્થિતિનું અવલોકન (ETV Bharat Gujarat) બચાવ અને રાહત કાર્ય :સાંસદ-ધારાસભ્યોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છતાં પોતાની પરવાહ કર્યા વગર લોકોની મદદે પહોંચ્યા છે. સાથે જ હરણી, સમા, અકોટા, અજીતાનગર, સિદ્ધાર્થ, ફતેગંજ, અકોટા, વડસર જેવા વધારે પ્રભાવિત વિસ્તારમાં નવી ટીમ પણ કામે લાગશે. જેમાં પાણી, ખોરાક અને મેડિકલ ઈમરજન્સી સેવા માટે ટીમ જોડાઈ છે, નવી બોટ મંગાવી છે. ફાયરની ટીમો વિતરણ વ્યવસ્થામાં સામેલ થાય તેવી ચર્ચા કરી છે.
5 હજાર લોકોનું સ્થળાંતર :અત્યાર સુધી 5 હજાર લોકોનું સ્થળાંતર અને 1200 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હાલમાં NDRF, SDRF અને આર્મીની એક-એક કોલમ કાર્યરત હતી. હવે NDRFની 1, SDRFની 1 અને આર્મીની 3 નવી કોલમ ઉમેરી છે. જેના કારણે જ્યાં પરિસ્થિતિ ખરાબ છે, ત્યાં મદદ મળશે. ઉપરાંત ફૂડ પેકેટ, પાણી, મેડિકલ ઇમરજન્સી વગેરેની જે પ્રાયોરીટી વાળી ફરિયાદ છે, તેનો નિકાલ થાય તે માટે તંત્ર સજ્જ છે.
આજવા સરોવરની સ્થિતિ :જોખમ લઈને આજવા સરોવરના ગેટ હંગામી ધોરણે બંધ કર્યા છે. વિશ્વામિત્રી 37 ફૂટ પર છે, તે 30 ફૂટ ઉપર જાય એટલે તેનું પાણી વડોદરામાં ફેલાતા હોય છે. પરિસ્થિતિ ચિંતાજનક છે, પરંતુ વહીવટી તંત્ર અને સરકારનું ધ્યાન વડોદરા ઉપર છે. ફસાયેલા લોકોને મદદ, ઝડપી સારવાર અને નાના બાળકોના વિષયમાં સરકાર અને તંત્ર કામ કરી રહ્યું છે.
- વડોદરા જિલ્લામાં મેઘમહેર : રેસ્ક્યુ કામગીરી માટે આર્મીની ૩ કોલમ મેદાનમાં ઉતારી
- વડોદરામાં સતત ત્રીજા દિવસે પાણીમાં ગરકાવ: શહેરીજનોમાં પાાણી સાથે મગરનો ડર