મહેસાણા:બોર્ડની પરીક્ષા આવતા જ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓમાં જાણે એક પ્રકારનો ડર રહેતો હોય છે, જેને દૂર કરવા મહેસાણાની એક ખાનગી શાળાએ નવતર પ્રયોગ કર્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે બોર્ડની પરીક્ષા કેવી હોય તેને લઈને પ્રિબોર્ડ પરીક્ષા યોજીને વિદ્યાર્થીઓમાં ડર દૂર કરવાનો એક અનોખો પ્રયાસ કર્યો છે.
મહેસાણાની શાળામાં પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન (ETV Bharat Gujarat) ધોરણ 10ના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે બોર્ડની પરીક્ષાનો પ્રથમ અનુભવ થોડી ચિંતા આપી જાય છે. ધોરણ 10માં આવતાની સાથે જ પરિવાર અને શાળામાં પણ એક જ વાત હોય કે હવે બોર્ડની પરીક્ષા આવશે અને આખું વર્ષ બોર્ડ... બોર્ડ... બોર્ડ... સાંભળીને વિદ્યાર્થી પણ ટેન્શન લેતા થઈ જાય છે. જે ટેન્શનને દૂર કરવા અને બોર્ડ પરીક્ષા કેવી હોય? આ પરીક્ષા કેવી રીતે લેવાય? પરીક્ષામાં બારકોડ સ્ટીકર કેવી રીતે લગાવવા? ખાખી સ્ટીકર કેવી રીતે લગાવવા? લખાણની સ્પીડ કેવી રીતે વધારવી સહિતની તાલીમ પ્રિબોર્ડ પરીક્ષા યોજીને આપવામાં આવી હતી. એટલે કે , બોર્ડની પરીક્ષા પહેલા પ્રિબોર્ડની પરીક્ષા વિધાર્થીઓ આપી રહ્યા છે.
મહેસાણાની શાળામાં પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન (ETV Bharat Gujarat) મહેસાણાની એક્ઝોટિકા સ્કૂલ દ્વારા છેલ્લા બે વર્ષથી પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ધોરણ 10 ના બાળકોમાં પરીક્ષાનો ડર દૂર કરવા બોર્ડની પરીક્ષા જેવો માહોલ તૈયાર કરાયો હતો. બોર્ડમાં લગાવવામાં આવતા બારકોડ સ્ટીકરો અને ખાખી સ્ટીકર લગાવતા પણ શીખવાડવામાં આવે છે. પેપર લખવામાં લખાણની સ્પીડ વધારવા પણ તાલીમ અપાય છે. માત્ર પોતાની જ શાળા નહીં પરંતુ મહેસાણાની કોઈ પણ શાળાના વિદ્યાર્થીઓ આ પ્રિબોર્ડ પરીક્ષામાં ભાગ લઈને બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરી શકે છે. જેથી મહેસાણાના અન્ય શાળાઓના ધોરણ 10ના વિદ્યાર્થીઓ અહીં આવીને પ્રિબોર્ડ એક્ઝામ આપી રહ્યા છે.
મહેસાણાની શાળામાં પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન (ETV Bharat Gujarat) અહીં પ્રિબોર્ડ પરીક્ષાનો માહોલ એવો તૈયાર કરાયો છે કે જ્યારે બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીના પ્રવેશ સમયે તેને તિલક અને ફૂલ આપી સ્વાગત કરાય છે, તેમ સ્વાગત કરી વર્ગખંડમાં પ્રવેશ કરાવાયો હતો. જેથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને એક વાર અનુભવ થયા બાદ બોર્ડની પરીક્ષા આપવા જતા કંઈ નવું લાગે નહીં અને પરીક્ષા પણ શાંતિ પૂર્વક આપી શકે.
આ પણ વાંચો:
- અજરખ કળામાં કચ્છની આ 25 વર્ષીય યુવતીએ કાઢ્યું કાઠું, પ્રથમ મહિલા અજરખ ડિઝાઈનર તરીકે ઉભરી
- એકબાજુ વ્યાજખોરોનો ત્રાસ, બીજી બાજુ જમીનનો વિવાદ... મહેસાણામાં વેપારીએ જીવન ટૂંકાવ્યું