સુરેન્દ્રનગર:એક પરિવાર છે ક્ષણ ભરની મસ્તીઓને કારણે ભવિષ્યના અંધકારને જોતો થઈ ગયો, એક માતા-પિતા જેમણે વર્ષની રૂપિયા 12 લાખ લેખે એક સેમેસ્ટરના 6 લાખની ફી ભરી પુત્રને ભણતરમાં મદદ કરવા પેટે પાટા બાંધ્યા હતા. એક બહેન જેની આશાઓ હતી કે તેના પછી આઠ વર્ષ પછી જન્મેલો તેનો નાનકડો ભાઈ મેડિકલમાં એડમીશન મળ્યા પછી ભણતર પુરું કરી હવે ડોક્ટર બનશે અને પરિવારના સુખદ દિવસો આવશે. આવા આખા પરિવારની મહેનત અને લાગણીઓ એકક્ષણમાં ધૂળ થઈ ગઈ જ્યારે તેમને જાણકારી મળી કે તેમનો લાડકો હવે આ દુનિયામાં નથી અને તેની પાછળનું કારણ જાણીને તો તેઓ સહુ એ ક્ષણને યાદ કરી યાતના અનુભવે છે કે કુદરતે આવી તકલીફ તેમના સંતાનના નસીબમાં કેમ લખી હશે?
સમગ્ર બાબત અંગે વિસ્તૃત જાણકારી આપને જણાવીએ તો, પાટણ ધારપુરમાં મેડિકલનો 18 વર્ષનો મેથાણીયા અનિલ નટવરભાઈ નામનો પાટણની ધારપુર મેડિકલમાં MBBSના વિદ્યાર્થીનું રેગિંગમાં કથિત રીતે મોતને ભેટ્યા બાદ ધ્રાંગધ્રાના જેસડા ગામે એના માતા, પિતા અને બંને બહેનો આઘાતમાં અને અર્ધ બેભાન જેવી હાલતમાં છે. જેમાં તેની મોટી બહેનની હમણાં જ ગત 20/10/24ના રોજ સગાઈ હતી અને આવતી ફેબ્રુઆરીમાં લગ્ન પણ લેવાના હતા. બે બહેનો બાદ આઠ વર્ષે આ ભાઈનો જન્મ થતા પરિવારને તેના પર કેટલો લાડ હશે તેની કલ્પના દરેક વ્યક્તિ કરી શકે છે.
પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયરો દ્વારા રેગિંગના કારણે મેડિકલના એક હોનહાર વિદ્યાર્થીનું અકાળે મોત નીપજતા એના મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે Etv ભારતની ટીમ પહોંચી ત્યારે ત્યાંનો હૈયાફાટ રુદન અને આક્રાંદ સહીત ગમગીન માહોલ હતો. જે આક્રંદ કોઈની પણ આખોના ખૂણા ભીના કરી દે એવો હતો. જેમાં તે યુવાનની બંને બહેનો અને મમ્મી પપ્પા હજી જાણે સંપુર્ણ ભાનમાં નથી, તેમના મનનો આઘાત તેમને જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિ સમજી શકતો હતો. આજુબાજુ કોણ છે, શું વાત ચાલી રહી છે, બિલકુલ બોલવાની પરિસ્થિતિમાં જ નથી. બધાને ઊંઘની ગોળીઓ આપેલી છે તેવું ત્યાં હાજર એક વ્યક્તિએ જણાવતા તેમની સ્થિતિને વધુ સમજમાં આવતી હતી. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા આ વિદ્યાર્થી માટે પરિવારજનોએ વર્ષે રૂ. 12 લાખ લેખે એક સેમિસ્ટરના રૂ. 6 લાખની ફી પણ ભરી હતી.