અમદાવાદ: મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે પતંગ ઉડાડવાના રસિકો બજારમાં પતંગ, ફીરકી અને દોરી લેવા માટે ઉમટી રહ્યા છે. મોટાભાગના લોકોને તે પ્રશ્ન થતો હોય છે કે પતંગની દોરી ઘસવા માટે ઈંડુનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ ? ત્યારે ઇટીવી ભારત દ્વારા દોરી ઘસવાનું કામ કરતા લોકો સાથે વાતચીત કરી અને દોરી કેવી રીતે ઘસીને તૈયાર કરવામાં આવે છે તેની સંપૂર્ણ વિગત મેળવી છે.
આવી રીતે બને છે પતંગની દોરી: મકરસંક્રાંતિનો તહેવાર આવે ત્યારે લોકો એકદમ પાકો દોરો કે જેનાથી તેમની પતંગ કોઈના કાપી શકે એવા દોરાની શોધમાં હોય છે. મોટાભાગના લોકો જાતે દોરી ઘસનારા લોકો પાસે જઈને પોતાની દોરી ઘસાવતા હોય છે. પણ ક્યાંકને ક્યાંક ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થતો હોય છે કે આ દોરી ઘસવા માટે કયા કયા કેમિકલનો અને કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.
દોરી ઘસવામાં વાપરવામાં આવે છે વિવિધ કેમિકલ: છેલ્લા 20 થી 25 વર્ષથી દોરી ઘસવાનું કામ કરતા મહમદ અનીશ ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવે છે કે જ્યારે મકરસંક્રાંતિનો તહેવાર આવે તેના ત્રણ ચાર મહિના અગાઉ એટલે કે દિવાળીના આસપાસ તેઓ દોરી ઘસવાનું કામ શરૂ કરી દે છે. આ દોરી ઘસીને તૈયાર કરવા માટે અલગ અલગ કેમિકલ, કાચ, ચોખા, કલર અને સાબુદાણાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
શું દોરી ઘસવામાં ઈંડુ વપરાય છે?: જ્યારે દોરી ઘસવાનું કામ કરતા રામુભાઈ શાહુ ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવે છે કે તેઓ દોરી ઘસવા માટે ઈંડાનો ઉપયોગ કરતા નથી. જો ઈંડાનો ઉપયોગ કરવામાં આવે તો દોરી એકદમ લીસી થઈ જાય છે અને આંગળીઓ કપાવવાની શક્યતા વધી જાય છે. વધુમાં તેઓ એ પણ જણાવે છે કે દોરી ઈંડા દ્વારા બગડી પણ શકે છે.
અલગ અલગ રાજ્યમાં જઈને બારેમાસ દોરી ઘસવાનું કામ કરે છે: મહંમદ અનીશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,'તેઓ છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં દોરી ઘસવાનું કામ કરે છે. અલગ અલગ મોસમ પ્રમાણે અલગ અલગ રાજ્યમાં જઈને એવો બારેમાસ માત્ર દોરી ઘસવાનું જ કામ કરે છે.'
90 ટકા લોકોને ગુલાબી રંગ પસંદ આવે છે:તેમના દ્વારા વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, 'દોરી ઘસવા માટે કલરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે 90 ટકા લોકો દ્વારા ગુલાબી કલરનો ઉપયોગ કરવામાં આવે છે કેમકે ગ્રાહકોને મોટાભાગે ગુલાબી કલર જ પસંદ આવે છે.'