ગાંધીનગર:લોકસભાની ચૂંટણી પહેલા જ જાણે પક્ષપલટાની મૌસમ પૂરબહારમાં ખીલી છે. કોંગ્રેસ, AAP સહિત અન્ય પાર્ટીના નેતાઓ ભાજપનો કેસરિયો ધારણ કરી રહ્યા છે. ત્યારે આજે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા અને પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. મહેશ વસાવા સાથે 500થી વધુ કાર્યકરોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
Mahesh Vasava and Mahesh Patel joined BJP: ભાજપમાં ભરતીમેળો યથાવત, મહેશ વસાવા અને મહેશ પટેલે કર્યા કેસરિયા - ભાજપમાં ભરતીમેળો
ભારતીય ટ્રાયબલ પાર્ટીના (BTP) રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આજે ભાજપમાં જોડાયા છે. ઉપરાંત પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
Published : Mar 11, 2024, 1:08 PM IST
|Updated : Mar 11, 2024, 1:44 PM IST
સીઆર પાટીલ સાથે અગાઉ મુલાકાત:ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા દિવસથી અંદરખાને આ અંગેની કવાયત ચાલતી હતી પરંતુ હવે ખુલીને બધુ સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે, 4 માર્ચ સોમવારે મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવાએ ભાજપ આ મુદ્દે નિશાન સાધ્યું હતુ અને પોતાના પુત્ર મહેશને નાસમજ હોવાનું ગણાવ્યું હતું. મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત પણ કરી હતી અને આ મુલાકાતના ફોટો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેર કર્યા હતા.
આદિવાસી મત આંચકવાનો ભાજપનો પ્રયાસ:ગુજરાત લોકસભા બેઠકો પર સૌની નજર ભરૂચ લોકસભા સીટ પર છે. જ્યાં AAP અને કોંગ્રેસે ગઠબંધન કરી આદિવાસી સમાજના યુવા નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપી છે. જેને લઇને ભાજપે પણ આ બેઠક પર કબજો જમાવી રાખવા માટે ફરી પીઢ અને અનુભવી નેતા મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે. મહેશ વસાવા એ છોટુ વસાવાના મોટા પુત્ર છે. ગુજરાતના આદિવાસી પટ્ટા પર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છોટુ વસાવાનું પ્રભુત્વ રહ્યું છે. મહેશ વસાવા ભાજપમાં જોડાયા પછી મનસુખ વસાવા માટે પ્રચાર કરશે અને ચૈતર વસાવાના મતો આંચકીને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને અપાવશે તેમ માનવામાં આવી રહ્યું છે.