જૂનાગઢ : આજે મહા માનવ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ છે. આધુનિક યુગમાં પણ મહાત્મા ગાંધીને સમગ્ર વિશ્વના લોકો એક એવા વ્યક્તિ તરીકે યાદ કરે છે, જેમના થકી ભારતને આઝાદી મળી હતી. ભારતની આઝાદીની લડાઈ અને મહાત્મા ગાંધીના જન્મથી લઈને તેમના આજ સુધીના ઇતિહાસને વિશ્વના તમામ દેશો જાણે છે. જોકે, આજે રાષ્ટ્રપિતાના જન્મદિવસ નિમિત્તે તેમના જીવન સાથે જોડાયેલો રસપ્રદ અને જાણ્યો અજાણ્યો ઇતિહાસ આજે અમે તમારા સમક્ષ લાવી રહ્યા છીએ.
ગાંધીજીનો જૂનાગઢ સાથે સંબંધ :ગાંધીજીનું નામ પડતા જ સૌ કોઈને પોરબંદર યાદ આવે. આ ખરું કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો, પરંતુ ગાંધીજીના પિતા અને તેના વડવાઓ જૂનાગઢ રાજ્યના મહલ કુતિયાણાના નિવાસી હતા. અંગ્રેજ સરકારે કરમચંદ ગાંધીને પોરબંદરના દીવાન બનાવતા કરમચંદ ગાંધીનો સમગ્ર પરિવાર કુતિયાણાથી પોરબંદર ગયો, જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો.
રાષ્ટ્રપિતાની જાણી-અજાણી અને રસપ્રદ વાતો (Etv Bharat Gujarat) ગાંધીજીનું મૂળ વતન જાણો છો ?આજે કીર્તિ મંદિર સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ તરીકે ઓળખાય રહ્યું છે, પરંતુ કરમચંદ ગાંધી અને તેમના પૂર્વજો કુતિયાણાના વતની હતા. અંગ્રેજોએ કરમચંદ ગાંધીને પોરબંદરના દિવાન બનાવ્યા, આ સાથે જ રાજકોટ અને વાંકાનેર જેવા અન્ય શહેરોના દીવાન તરીકે પણ તેમણે સેવા આપી હતી.
કુતિયાણાનો જમીનદાર ગાંધી પરિવાર :બાબી વંશજ પૂર્વે ગુજરાતના સુલતાનના સમયમાં સમગ્ર ગાંધી પરિવારને કુતિયાણા ખાતે 12 એકર જેટલી જમીન બારખલીના રૂપે પ્રાપ્ત થઈ હતી. આ જમીન સુલતાનના સમયમાં સત્તાધીશો દ્વારા ગાંધી પરિવારને વંશ પરંપરા નિભાવ માટે આપવામાં આવી હતી. ત્યારથી ગાંધી પરિવાર બારખલીના જમીનદાર તરીકે ઓળખાતો હતો. ગાંધી પરિવાર પોરબંદરના દીવાન બનતાની સાથે જ તેઓ કાર્યકાળ ગોંડલ, જૂનાગઢ અને ગોંડલ ગાયકવાડ વચ્ચે જમીનની હદોને લઈને થતી તકરારના સમાધાન માટે લવાદ તરીકે નિવેડો પણ લાવતા હતા.
વર્ષ 1952માં સૌરાષ્ટ્રમાંથી બારખલી નાબૂદ થતાં 17/2/1952 ના દિવસે મામલતદાર દ્વારા ગાંધીજીના પરિવાર પાસે રહેલી અને બારખલીના ભાગરૂપે મળેલી 12 એકર જમીન સરકાર હસ્તક લેવામાં આવી. ત્યારબાદ સરકારે ગાંધીજીના પરિવાર પાસેથી પરત મેળવેલી આ જમીન ભગવાનજીભાઈ ગજેરાને હસ્તક આપવાનું પ્રમાણપત્ર આપ્યું હતુ.
ગાંધીજનોને સમર્પિત અહેવાલ...
આવી અનેક વાતો ગાંધીજીના જીવન સાથે જોડાયેલી છે, જે આજે તેમની જન્મ જયંતીના પ્રસંગે લોકો વાંચે અને ગાંધીજીના રોચક ઇતિહાસ અને જાણી અજાણી કેટલીક વાતો ફરી તેમના માનસપટ પર તાજા થાય તે માટે ગાંધીજીને સમર્પિત અહેવાલ ગાંધી પ્રેમીઓ માટે...
- મહાત્મા ગાંધીની દુર્લભ વસ્તુઓનું પ્રદર્શન, 200 વર્ષ જૂનો ચરખો મુખ્ય આકર્ષણ
- વર્ષ 1925માં ગાંધીજીની કચ્છ યાત્રા વ્યથિત કરી દેનારી બની, જાણો કેમ ?