ગુજરાત

gujarat

ETV Bharat / state

મહાશિવરાત્રી 2025: કચ્છના 4 દિશાના 4 શિવ મંદિરોની એક પરિક્રમાનું મહામ્ય અને ઇતિહાસ - KTUCH MAHASHIVRATRI 2025

પાવન પર્વ મહાશિવરાત્રિની સર્વત્ર શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે તે પ્રસંગે કચ્છમાં અનેરું મહાત્મ્ય ધરાવતાં ચાર દિશાના ચાર શિવ મંદિરોની એક પરિક્રમા...

4 શિવ મંદિરોની એક પરિક્રમાનું મહામ્ય અને ઇતિહાસ
4 શિવ મંદિરોની એક પરિક્રમાનું મહામ્ય અને ઇતિહાસ (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Feb 26, 2025, 6:06 AM IST

કરન ઠક્કર.કચ્છઃમહાશિવરાત્રિનો પાવન પર્વ છે ત્યારે કચ્છના શિવ ભક્તોને કચ્છમાં અનેરું મહત્વ ધરાવતા કચ્છની ચારેય દિશાના ચાર શિવ મંદિરોના આજે દર્શન કરવા મળશે. જેમાં પશ્ચિમ કચ્છના કોટેશ્વર મહાદેવના મંદિર, દક્ષિણ કચ્છના ભદ્રેશ્વરના ચોખંડા મહાદેવ મંદિર, પૂર્વ કચ્છના વરણું ખાતેના પ્રાચીન વરણેશ્વર મહાદેવ મંદિર અને ઉતર કચ્છના ઢોરી ગામના જડેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે ઇતિહાસકાર સંજયભાઈ ઠાકર પાસેથી...

પશ્ચિમ કચ્છનું પૌરાણિક યાત્રાધામ: કોટેશ્વર

લખપત તાલુકામાં આવેલું કોટેશ્વર કચ્છનું પ્રાચીન શિવતીર્થ અને પુરાતન બંદર છે. કચ્છના પશ્ચિમ કિનારે કોરીક્રીકના નાકાં ઉપર મહાતીર્થ નારાયણ સરોવરથી 2 કિલોમીટર દૂર ઉત્તરે અરબી સમુદ્રનાં નીર જેમનું પાદપ્રક્ષાલન કરે છે એવું પુરાણ પ્રસિદ્ધ કોટેશ્વરનું પ્રાચીન તીર્થધામ આવેલું છે. 5000 વર્ષ પૂર્વ શ્રીકૃષ્ણ અને તેમના ભકત પાંડવો પણ આ ભૂમિને પાવન કરી ગયાની માન્યતા છે. ઈસવીના 7માં સૈકામાં બૌદ્ધ સાધુ યુ-એન-સાંગ ચીનથી હિન્દના પ્રવાસે આવેલા ત્યારે સિંધમાં થઈને આ સ્થળે આવ્યા હતા. પ્રાચીન કાળમાં કોટેશ્વરની જે જાહોજલાલી હતી તેની નોંધ આ ચીની મુસાફરે પોતાની પ્રવાસપોથીમાં લીધી છે.

કચ્છના 4 દિશાના 4 શિવ મંદિરોની એક પરિક્રમાનું મહામ્ય અને ઇતિહાસ (ETV BHARAT GUJARAT)

એક કરોડ લિંગના કારણે તેનું નામ 'કોટિલિંગેશ્વર' પડયું

રામાયણકાળનું મનાતું આ તીર્થસ્થાન કોરીનાળના સમુદ્રકાંઠે નામનું પુરાતન બંદર પણ ધરાવે છે. કોટેશ્વરની સ્થાપના પાછળ રાવણનાં અમરત્ત્વ સાથે સંકળાયેલી એક પૌરાણિક કથા રહેલી છે. દંતકથા પ્રમાણે ગાયને બચાવવા હાથમાં ઉપાડેલું શિવલિંગ રાવણે જમીન પર મૂકતાં ત્યાં એક કરોડ લિંગ ફૂટી નીકળ્યાં અને અસલ લિંગ શોધવું મુશ્કેલ બનતાં રાવણે એ જ સ્થળે શિવાલયની સ્થાપના કરી. એક કરોડ લિંગના કારણે તેનું નામ 'કોટિલિંગેશ્વર' પડયું, જે પાછળથી ટૂંકમાં 'કોટેશ્વર' તરીકે ઓળખાયું.

4 શિવ મંદિરોની એક પરિક્રમાનું મહામ્ય અને ઇતિહાસ (ETV BHARAT GUJARAT)

વર્ષ 1821માં અહીં નવેસરથી રોનકદાર શિવમંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું

14મી સદીના સંક્રાંતિકાળમાં અલાઉદ્દીન ખીલજીએ કોટેશ્વરનાં શિવલિંગને ખંડિત કરેલું. લિંગ ઉપરના ભાગમાં તેણે મારેલા ખીલાના ઘા હજી ત્યાં દેખાય છે. આ મંદિર વર્ષ 1819ના ધરતીકંપ વખતે ધરાશાયી બનેલું, તે વખતે કચ્છના મુત્સદી સપૂત સુંદરજી શિવજી સોદાગર અને જેઠા શિવજીએ મહારાવ દેશળજી બીજાના સમયમાં વર્ષ 1821માં અહીં નવેસરથી રોનકદાર શિવમંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું. તે સાથે આનુષંગિક સુવિધાઓ ઊભી કરી હતી.

4 શિવ મંદિરોની એક પરિક્રમાનું મહામ્ય અને ઇતિહાસ (ETV BHARAT GUJARAT)

ભારતની ભૂમિસીમા જયાં પૂરી થાય છે તેવાં આ સ્થળે છે મહાદેવનું મંદિર

એક પ્રચલિત લોકકથા પ્રમાણે સિંધથી આવેલા રા'લાખા ધુરારા જેવા પરાક્રમી પતિને પામવા ગૌડ રાણી ચંદ્રકોરે પ્રતિજ્ઞા પૂરી થતાં તેણે કોટેશ્વરમાં નીલકંઠનું મંદિર ચણાવ્યું હતું. 18મી સદીના પૂર્વાર્ધમાં રાવ દેશળજી મોટાના રાણી મહાકુંવરબાએ નીલકંઠ મહાદેવનાં મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો.ભારતની ભૂમિસીમા જયાં પૂરી થાય છે તેવાં આ સ્થળે સદાશિવ કોટેશ્વર ઊંચાઈ પર બિરાજિત થયેલા છે અને તેમનાં ચરણે ઘૂઘવતા અરબી સાગરની છોળોની જાણે અર્ધ્યરૂપે સતત છંટકાવ થતો રહે છે.

4 શિવ મંદિરોની એક પરિક્રમાનું મહામ્ય અને ઇતિહાસ (ETV BHARAT GUJARAT)

જમીન માર્ગે 11 અને દરિયાઈ માર્ગે 16 કિલોમીટર દૂરથી જોઈ શકાય

કોટેશ્વર મહાદેવ મંદિર એવી ઊંચાઈએ આવેલું છે કે, જમીન માર્ગે 11 અને દરિયાઈ માર્ગે 16 કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. પશ્ચિમાભિમુખે આવેલાં મંદિરમાં ચાર ફૂટનું સ્વયંભૂ શિવલિંગ, શિવની ચાંદીની મૂર્તિ અને પિત્તળમાંથી બનાવાયેલાં સુંદર નંદી છે. મંદિરમાં ઘુમ્મટની અંદરની બાજુમાં શ્રીકૃષ્ણ-ગોપીની રાસલીલાનું સુંદર શિલ્પકામ નયનરમ્ય છે. કોટેશ્વરની પાસે કલ્યાણેશ્વર, શરણેશ્વર, સોમેશ્વર, રામેશ્વર, ચપલેશ્વર, નીલકંઠ, કમલાપાદ, નારદલોટિકા, ગયાકુંડ, બ્રહ્મકુંડ વગેરે અન્ય દર્શન સ્થળો છે.

4 શિવ મંદિરોની એક પરિક્રમાનું મહામ્ય અને ઇતિહાસ (ETV BHARAT GUJARAT)

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સુવિધાઓ

તાજેતરમાં કોટેશ્વર નજીકમાં પ્રવાસન વિભાગે ક્રીક અને ચેરિયાંવન પ્રવાસ માટે બોટિંગની સુવિધા ઊભી કરી છે, તે નવતર આકર્ષણ બની રહે તેમ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તાજેતરમાં અહીં સુવિધાઓ અને સુશોભનનું ઉમદા કામ થયું છે. વીડિયો પાર્થ પિક્સલ દ્વારા શૂટ કરવામાં આવ્યા છે.

4 શિવ મંદિરોની એક પરિક્રમાનું મહામ્ય અને ઇતિહાસ (ETV BHARAT GUJARAT)

દક્ષિણ કચ્છનું ચોખંડા મહાદેવઃ ભદ્રેશ્વર

કચ્છના ભોલેનાથનાં વિખ્યાત સ્થાનકોમાં મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર પાસેનું ચોખંડા મહાદેવ અનેરું સ્થાન ધરાવે છે. ભદ્રેશ્વરના પ્રાચીન અવશેષો પૈકીનું એક તે 'ચોખંડા મહાદેવનું મંદિર' ભદ્રેશ્વર ગામની દક્ષિણે અને પ્રસિદ્ધ જૈન યાત્રાધામ વસહી તીર્થથી થોડે દૂર દરિયા કિનારે રમણીય વાતાવરણની વચ્ચે આવેલું આ શિવાલય ઐતિહાસિક, આઘ્યાત્મિક અને સાંસ્કૃતિક મહિમા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે, ઈ. સ. 1139ની સાલમાં આ મંદિરનાં શિવલિંગનું દરિયાની ખાડીમાંથી સ્વયંભૂ પ્રાગટય થયું હતું.

4 શિવ મંદિરોની એક પરિક્રમાનું મહામ્ય અને ઇતિહાસ (ETV BHARAT GUJARAT)

ઐતિહાસિક દષ્ટિએ ખૂબ મહત્ત્વનો કાળા પથ્થરમાં કોતરેલો એક લાંબો શિલાલેખ

આ મંદિર 1439 વર્ષ જૂનું હોવાની લોકમાન્યતા છે. પરંતુ મંદિરમાં લાગેલા શિલાલેખ મુજબ આજથી 886 વર્ષ પહેલાં ભદ્રેશ્વરના રાજા વિસાજીના વખતમાં સિદ્ધરાજ જયસિંહના ભત્રીજા કુમારપાળ સોલંકીના સહકારથી સંવત 1195માં આ મંદિરની પ્રતિષ્ઠા વિધિ થઈ હતી. ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના વખતનો સંવત 1195ના અષાઢ સુદ 10 અને રવિવારની મિતિવાળો તથા ઐતિહાસિક દષ્ટિએ ખૂબ મહત્ત્વનો કાળા પથ્થરમાં કોતરેલો એક લાંબો શિલાલેખ મંદિરનાં પ્રાંગણના ઓટલામાં બીજા પથ્થરો વચ્ચે ચણવામા આવ્યો છે.

4 શિવ મંદિરોની એક પરિક્રમાનું મહામ્ય અને ઇતિહાસ (ETV BHARAT GUJARAT)

આમ મંદિર નાળેશ્વર મહાદેવ તરીકે જાણીતું થયું

દરિયાના નાળમાંથી લિંગ મળી આવેલું હોવાથી કે પછી દરિયાના નાળ પર મંદિર આવેલું હોવાથી તે સમયે આ મંદિર નાળેશ્વર મહાદેવ તરીકે જાણીતું હતું. પણ પાછળથી તે ચોખંડા મહાદેવ તરીકે પ્રસિદ્ધ બન્યું છે. આ મંદિરના ચમત્કારની અનેક વાતો આજે પણ લોકમુખે સંભળાતી રહે છે. જમણી તરફે વળેલી સૂંઢવાળા ગણપતિની પૂરાં કદની એક પ્રતિમા પણ આ મંદિરમાં છે.

4 શિવ મંદિરોની એક પરિક્રમાનું મહામ્ય અને ઇતિહાસ (ETV BHARAT GUJARAT)

વખતોવખત જિર્ણોદ્વાર કરવામાં આવ્યો

ચોખંડાનું મંદિર જમીનથી 30 ફૂટ ઊંચે એક ટીંબા પર આવેલું છે. તેમ છતાં ભદ્રેશ્વર-તુણાની દરિયાઈ પટ્ટી પાસે આવેલું હોવાથી મંદિરને દરિયાની ખારાશ અસર કરતી રહે છે અને શ્રદ્ધાળુઓ જાળવણી કામ પણ કરાવતા રહે છે. ભૂતકાળમાં સંવત 1962, 1980,1988,2047 એમ વખતોવખત જિર્ણોદ્વાર કરવામાં aavyo છે. વર્ષ 2001ના ભૂકંપ પછી શ્રી નાળેશ્વર મહાદેવ મંદિર ચોખંડા-ભદ્રેશ્વર ટ્રસ્ટ સક્રિયપણે આ સ્થાનકના વિકાસ માટે પ્રયત્નશીલ છે.

શિવરાત્રિ અને જન્માષ્ટમીના લોકમેળો યોજાય

ગયા વર્ષે મહાશિવરાત્રિના 151 કુંડી યજ્ઞ અને ચાર પ્રહર રાત્રિ પૂજનનું આયોજન થયું હતું. ભાવિકોની સમિતિએ અહીં પુનરોદ્ધાર કરાવ્યો તે સાથે અનેક સુવિધાઓ વિકસાવાઈ છે. દરિયા કિનારે ઘટાટોપ વનની વચ્ચે આવેલાં આ મંદિરની આસપાસનું નૈસર્ગિક વાતાવરણ યાત્રાળુઓને માનસિક શાંતિ અને આનંદ આપે એવું છે. દરિયાની લયલીલા અને વાતાવરણની અહ્લાદકતા સ્થળને રમણીયતા બક્ષે છે. અહીં દર વર્ષે શિવરાત્રિ અને જન્માષ્ટમીના લોકમેળો યોજાય છે. વીડિયો સાયકલિંગ બિસ્ટ દ્વારા લેવામાં આવ્યા છે.

પૂર્વ કચ્છનું પ્રાચીન શિવમંદિર વરણેશ્વર : વરણું

કચ્છ જિલ્લાના પૂર્વ વિભાગમાં રાપર તાલુકાની સરહદે નાના રણના ખારાપાટ વિસ્તારમાં પલાંસવા અને આડેસર ગામોની થોડે દૂર રણકાંધીએ વરણેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે. વરણુદાદા વાગડની પ્રજામાં વરણાપીર તરીકે ભાવથી પૂજાય છે. વરશુદેવના અનેક પરચાની વાતો વાગડ અને નાના રણની સામે કાંઠે પાલનપુર, કાઠિયાવાડ 5 અને સૌરાષ્ટ્રનાં ટીકર તથા હળવદ વિસ્તારના લોકોમાં પ્રચલિત છે. સાતમી સદીમાં ગાયોને બચાવવા માટે શૂરવીર યોદ્ધા વરણુ પરમારે પોતાનું બલિદાન આપ્યું હોવાની વાત લોકજીભે છે.

લોકકથા મુજબનો ઇતિહાસ

વર્ણવા પરમારની પ્રેરક લોકકથા મુજબ વરણુ આબુ પર્વત તરફના પરમાર રાજપૂત કુટુંબનો ખમીરવંતો નબીરો હતો અને રણ પાસેનાં કોઈ ગામે રહેતો હતો. એ વખતે તેના ભાઈની પત્નીના ગામમાં ચારણોની ગાયો ધાડપાડુઓ વાળી જતા હતા. નાના રણની કાંઘીએ કુંવરગઢમાં ચારણ આઈ દેવદેનો નેસ હતો, તેથી 'કાનકુંવર' ગાયને લુંટારાઓના હાથમાંથી બચાવવા આ રાજપૂત વીર પોતાનાં લગ્ન વખતે ચોરીના માંડવેથી ચાલી નીકળ્યો હતો.

18 લુંટારાને માર્યા પછી વરણુ શહીદ થઈ ગયા

આડેસર વીંધી ટીકર તરફ ભાગતા લુંટારા પાછળ પરમાર વરણુ તથા તેના ભાઈ વરણાયતજી દોડયા અને લુંટારુની છાવણી પાસે આવ્યા. ગાય માટે ખેલાયેલા ખૂંખાર જંગમાં 18 લુંટારાને માર્યા પછી વરણુ શહીદ થઈ ગયા. એમ કહેવાય છે એ કે ઝપાઝપીમાં વરણુનું માથું કપાઈને આજનાં વરણુનાં સ્થાનક પાસે પડયું, પરંતુ એમનું ધડ તો લડતું અને દુશ્મનોને કાપતું લગભગ 6 કિલોમીટર દૂર આવેલા મરડકના ડુંગરો નજીક પહોંચીને નીચે પડયું. આજે પણ મરડક ડુંગરમાં વર્ણવાનું સ્થાન દેખાડાય છે.

વરણુના નશ્વર દેહની સાથે તેમના ભાઈ અને બહેન પણ એ જ સ્થળે જીવતે સમાધિસ્થ થયા

વરણુના ભાઈ વરણાયત અને બહેન શચીવારાએ વરણુનું મસ્તક તથા પાછળથી ચારણોએ એમનું ઘડ શોધી કાઢયું અને અહીં એમનું સ્થાનક ઊભું કરવામાં આવ્યું. વરણુના નશ્વર દેહની સાથે તેમના ભાઈ અને બહેન પણ એ જ સ્થળે જીવતે સમાધિસ્થ થયાં છે અને તેમની સમાધિઓ પણ ત્યાં આવેલી છે. એમ પણ મનાય છે કે, વરણુનો ભાઈ પણ આ જંગમાં ખપી ગયેલો અને રણની અંદર આવેલા બે ભાઈના પાળિયાની પૂજા કરવા પલાંસવાથી એક બ્રાહ્મણ અહીં આવતા. સ્થળ બહુ દૂર હોવાથી અને બ્રાહ્મણની વૃદ્ધાવસ્થાને લીધે તેની આંતરિક મનોકામના પામી જઈને રણકાંધીએ વરણુદાદાની ત્રણ લિંગાકાર પાષાણ પ્રતિમા પેદા થઈ અને દાદા મહાદેવ સ્વરૂપ થયા. શિવલિંગને દૂધનો અભિષેક થતો હોય છે અને વરણુ ગાયોને બચાવવા શહીદ થયા હોવાથી એવું લાગે છે કે, વરણુજી પાછળથી મહાદેવ સ્વરૂપે પૂજાવા લાગ્યા હોય અને તેથી આ સ્થાનક પણ વરણેશ્વર તરીકે ઓળખાયું હોય.

ઉત્તર દિશાની આશુતોષની અલખમઢી: જડેશ્વર મહાદેવ–ઢોરી

ભુજ તાલુકામાં ઉગમણી બન્ની સાથે કુદરતી રીતે જોડાયેલાં ઢોરી ગામના પાદરે પૂર્વેની જૂની ધર્મશાળામાં લોડાઈથી આવેલા નાગાબાવા સંત સ્વરૂપગિરિજી ગુરુ હીરાગિરિજીએ સ્થાપેલા અલખમઢી આશ્રમ અને તેમાં જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ સ્થાન આ વિસ્તારનું પવિત્ર યાત્રાધામ સરીખું બની ગયું છે.

સદાશિવનું મંદિર બાંધવા 14 વર્ષનું ઉગ્ર મૌન વ્રત ધારણ કર્યું

મૌનીબાપુએ આ સ્થળે ભગવાન સદાશિવનું મંદિર બાંધવા 14 વર્ષનું ઉગ્ર મૌન વ્રત ધારણ કર્યું હતું. ફળ સ્વરૂપે અત્રે શિવમંદિર, રાધાકૃષ્ણ મંદિર, સંતનિવાસ વગેરેનું નિર્માણ થયું છે. 1985માં તેઓ દેવ થતાં ભક્ત મંડળે તેમને આ સ્થળે સમાધિ આપી છે. અત્યારે પણ અહીં તેમનો ધુણો અને જયોત અખંડ પ્રજવલિત છે, ઉપરાંત હનુમાનજી અને હીંગળાજના સ્થાનકો પણ આવેલાં છે.

વર્ષોથી અન્નક્ષેત્ર અને ગૌશાળા પ્રવૃત્તિઓ

આ સ્થળના વિકાસમાં ગામના આહીર ભાઈઓનું સારું યોગદાન રહેલું છે. આજે પણ બાબાનો અનુયાયી વર્ગ બહોળો છે અને તેમનાં સમાધિ-સ્થાનનાં દર્શને આવે છે. અખિલ ભારતીય સાધુ સમાજમાં પણ આ સ્થળની સુંદર સુવાસ પ્રસરેલી છે અને નારાયણ સરોવરની યાત્રાએ આવતા જતાં અનેક સાધુ-સંતો અલખમઢીની મહેમાનગતિ અચૂક માણે છે. વર્ષોથી અહીં અન્નક્ષેત્ર અને ગૌશાળા પ્રવૃત્તિઓ પણ સુંદર રીતે ચાલી રહી છે. મહાશિવરાત્રિ તેમજ ગુરુપૂર્ણિમાનું અહીં અનેરું મહાત્મ્ય છે. જડેશ્વર મહાદેવ મંદિરનો 2001ના ભૂકંપ પછી જિર્ણોદ્ધાર થયેલો છે.

  1. સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ખેડૂતોએ બોલાવી રામધૂન, દૂધરેજથી પદયાત્રા કરી પહોંચ્યા
  2. તાપી-ડાંગ ફરવા જાઓ છો, તો આ અદ્ભુત વૃક્ષને બાથ ભીડવાનો અનુભવ જરૂર કરજો, જાણો કેમ

ABOUT THE AUTHOR

...view details